Chhota Udaipur News: ગાત્રો થીજવતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી, જ્યારે આસ્થાનું પર્વ આવે ત્યારે આદિવાસી સંસ્કૃતિનો અસલી રંગ ખીલી ઉઠે છે! છોટાઉદેપુરના કવાંટ તાલુકાના બૈડિયા ગામમાં 90 વર્ષના લાંબા અંતરાલ બાદ ગામ ગોંદરિયો જુવારાઇદના ઉત્સવ થકી 'દેવોની પેઢી' બદલવાનો અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પરંપરામાં આદિવાસીઓની કલા, સંસ્કૃતિ, રીત-રિવાજ, અને પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન જોવા મળે છે.
'દેવોની પેઢી' બદલવું એટલે શું?
આદિવાસી સમુદાયની સદીઓ જૂની પરંપરા અનુસાર, આદિવાસીઓના દેવી દેવતાઓ પ્રાકૃતિક દેવો હોવાના લઈને, લાકડાંના ખૂટડા અને માટીના ઘોડા, દેવો આયખા ઉપર છત આપવામાં આવતી નથી, અને તેથી જ ગામની સીમમાં ખુલ્લાં આકાશમાં અને પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે દેવોના આયખા સ્થાપિત કરવામાં આવેલા છે, જે દેવોના આયખા જીર્ણ અવસ્થામાં આવે ત્યારે ગામની અનુકૂળતા મુજબ બળવા પાસે પુડી જોવડાવી, વિધવત રીતે આયખાઓનું નવીનીકરણ કરવામાં આવે તેને દેવોની પેઢી બદલી તેમ કહેવામાં આવે છે.
પશુ-પંખીઓ સાજા-તાજા રહે તેવો હેતુ
નાત-જાત કે ચડસાચડસીથી ઉપર ઉઠીને, પ્રત્યેક પરિવારે 3500 રૂપિયાનો ફાળો આપી 15 લાખના ખર્ચે આ ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે. ગામના લોકોનું આરોગ્ય જળવાય, ખેતી લહેરાતી રહે અને પશુ-પંખીઓ સાજા-તાજા રહે તેવી ઉમદા ભાવના સાથે આખું ગામ એકતાના તાંતણે બંધાયું છે. બુધવાર અને શનિવારના પવિત્ર દિવસે ઉજવાતા આ ઉત્સવમાં છોટાઉદેપુરના 100 અને મધ્યપ્રદેશના 50 ગામોમાંથી ઢોલ-માંદલના તાલે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. જે સંસ્કૃતિના સંરક્ષણની સાથે આજની પેઢીને પોતાની પરંપરા નિભાવવાની શિખામણ પણ આપી રહ્યું છે.
પરંપરા સદીઓથી અકબંધ
આદિવાસી સમુદાયના દેવો એટલે સાક્ષાત્ પ્રકૃતિ! લાકડાના ખૂટડા અને માટીના ઘોડા પર બિરાજતા આ દેવો ક્યારેય છત નીચે નથી રહેતા, પણ સીમમાં ખુલ્લા આકાશ નીચે વસીને આખા ગામની રક્ષા કરે છે. જ્યારે આ આયખાઓ જીર્ણ થાય, ત્યારે વિધિવત રીતે નવીનીકરણ કરી 'પેઢી બદલવાની' આ પરંપરા સદીઓથી અકબંધ છે.
અડદના ઢેબરાંથી મહેમાનોનું સ્વાગત
આ 10 દિવસના ઉત્સવમાં મહિલાઓની ભાગીદારી પણ કાબિલ-એ-દાદ છે! પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાંમાં સજ્જ થઈને મહિલાઓ દેવી-દેવતાઓના ગીતો ગાઈને તેમને રીઝવે છે, તો સાથે મળીને અડદના ઢેબરાં બનાવી મહેમાનોનું સ્વાગત કરી સહભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.


