છાણી મુક્તિધામ ખાનગીકરણના વિરોધમાં છાણી ગામ સજ્જળ બંધ
ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને બંધને સમર્થન કર્યું, વેપારીઓ પણ જોડાયા
આવતીકાલે મ્યુ. કમિશનરને આવેદનપત્ર પાઠવશે, યોગ્ય નિર્ણય નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
છાણી ગામ સ્મશાનના ખાનગીકરણના વિરોધમાં ગ્રામજનોએ આજે મોટી સંખ્યામાં એકત્ર થઈને બંધને સમર્થન આપ્યું હતું. વેપારીઓ પણ દુકાનો સ્વયંભૂ બંધ રાખી બંધમાં જોડાયા હતા. આવતીકાલે ગ્રામજનો રેલી કાઢી મ્યુ. કમિશનરને આવેદનપત્ર પાઠવશે. યોગ્ય નિર્ણય નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કોર્પોરેશન દ્વારા શહેરના તમામ 31 સ્મશાનોનું સંચાલન કોન્ટ્રાક્ટરને સોંપવાની પેરવી થતા ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે છાણી ગામ સ્મશાનના ખાનગીકરણને લઈ પણ ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. પાછલા ત્રણ દિવસથી ગ્રામજનો આંદોલન ચલાવી રહ્યા છે. લોક સમર્થન માટે ઢોલ નગારા સાથે રેલી કાઢી સહી ઝુંબેશ બાદ રવિવારે છાણી ગામ બંધનું એલાન હોય વેપારીઓએ સ્વયંભૂ રોજગાર ધંધા બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યું હતું. ગામમાં મુક્તિધામ બચાવો , વેપારીનું બલિદાન શીર્ષક હેઠળ પોસ્ટરો લાગ્યા હતા. ગ્રામજનોનું કહેવું હતું કે, સ્મશાનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિનો સખત વિરોધ છે, વર્ષોથી છાણી સ્મશાનનું સંચાલન ટ્રસ્ટ દ્વારા સારી રીતે થઈ રહ્યું હતું, કોઈપણ ચર્ચા વિચારણા વિના ટ્રસ્ટને હટાવી જો હુકમી કરી છે, સત્તાપક્ષ અને અધિકારીઓ અમારું સાંભળવા તૈયાર નથી, ખરેખર તમામ સ્મશાનોનો સર્વે કર્યા બાદ નિર્ણય કરવાનો હતો, અગાઉની પરિસ્થિતિ મુજબ સ્મશાનનું સંચાલન થવું જોઈએ અથવા ગ્રામજનોને તેમનું સ્મશાન પરત આપવું જોઈએ, અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે.