શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી, 'આયો લાલ ઝુલેલાલ' ના નાદ સાથે નગર ભક્તિમય બન્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cheti Chand 2026: પંચમહાલના શહેરા નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નિયત રૂટ પર 'આયો લાલ ઝુલેલાલ' ના નાદ સાથે નગર ભક્તિમય બન્યું હતું. આ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં સિંધી સમાજ દ્વારા સૌથી પવિત્ર અને મુખ્ય ગણાતા ચેટીચાંદ પર્વ એટલે કે તેમના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરા નગરમાં આવેલા ઝુલેલાલ મંદિરમાં સિંધી સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો સહિતના લોકોએ ઝુલેલાલના દર્શન કરી આશીર્વાદ મેળવી સિંધી સમુદાયના નવા વર્ષની શુભ શરૂઆત સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
'આયો લાલ ઝુલેલાલ' ના નાદ સાથે નગર ભક્તિમય બન્યું
આ પ્રસંગે 'આયો લાલ ઝુલેલાલ' ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ઝુલેલાલ જયંતિને લઈને સિંધી સમાજના લોકોએ એકબીજાને ગળે મળીને તેમના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ શહેરા નગરમાં ઝુલેલાલ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના યુવાનો, મહિલાઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચો: વડોદરાના સિંધી સમાજના ઇષ્ટદેવ પ્રભુ ઝુલેલાલના પ્રાકટ્ય દિને નવા વર્ષની ઉજવણી
સિંધી સમાજ આયોજિત શોભાયાત્રા સિંધી ચોકડીથી વૈદ્યનાથ ભાગોળ અને મેઈન બજાર થઈ શહેરાના મુખ્ય તળાવ સુધી પહોંચ્યા બાદ ત્યાં શોભાયાત્રાનું વિસર્જન કર્યું હતું. બીજી તરફ સિંધી સમુદાયના સૌથી મોટા અને પવિત્ર તહેવાર ચેટીચાંદ પર્વ નિમિત્તે શહેરામાં સમાજના વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી એક દિવસ માટે પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતા.









