Gujarat
શતરંજ કે ખિલાડીઃ રાજકોટનાં નેશનલ લેવલ ચેમ્પિયન્સનો ચેસમાં દબદબો
By GS TEAM
19 Jul 20252 mins read

ભારતીય મૂળ ધરાવતી વિશ્વ વિખ્યાત રમતનો આજે સ્પેશ્યલ ડે
રાજકોટ, : પ્રાચીન સમયે ઉત્તર ભારતમાં રમાતી રમત 'ચતુરંગ' અપભ્રંશ થઇને 'ચત્રંગ' અને ત્યાર પછી 'શતરંજ'નાં નામથી ઓળખાય છે. ભારતના ઉત્તર ભાગમાં રમાતી આ રમત વિદેશી રાજાઓ અને પ્રવાસીઓ મારફત દુનિયાભરમાં ફેલાઇ હતી. સૌ પ્રથમ 'ચતુરંગ'નો ઉલ્લેખ ઇ.સ. ૬૦૦માં પર્શિયાની હસ્તપ્રતોમાં જોવા મળે છે. આજે વર્લ્ડ ચેસ દિવસ છે. તેની શરૂઆત પેરીસ ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા 2019માં કરવામાં આવી હતી. ભારતીય મૂળ ધરાવતી રમતમાં બહુ ઓછા રમતવીરો રસ દાખવીને તેમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવે છે ત્યારે રાજકોટના કેટલાંક રમતવીરોએ પોતાનાં કૌશલ્ય થકી શહેરને ભારતભરમાં પ્રસિદ્ધિ અપાવી છે.
૬ રાજ્યોમાં જઇ ચેસમાં કૌશલ્ય પ્રદર્શનથી રેંક મેળવ્યા
'મેં મારી બહેનમાંથી ચેસ રમવાની પ્રેરણા સાત વર્ષની ઉંમરમાં લીધી હતી. મને ચેસ રમીને પોઝિટિવ ફિલ થતું હોવાથી ચેસ શીખીને વિવિધ ટૂર્નામેન્ટમાં ભાગ લઉં છું. હું ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગણા અને છત્તિસગઢમાં નેશનલ લેવલની ચેસ રમવા ગયેલી છું. મેં એસ.જી.એફ.આઇ.ની નેશનલ લેવલ ચેસ ટૂર્નામેન્ટમાં પાર્ટીસીપેટ કરી સાતમો અને ત્રીજો રેંક મેળવ્યો હતો. હું અભ્યાસ સાથે ચેસમાં પણ સારું પરફોર્મ કરવા ઇચ્છું છું. મને ચેસ રમવાથી એકાગ્રતાનું પ્રમાણ વધે છે અને પોઝિટિવ રહેવાની પ્રેરણા મળે છે.' - માહિ મારવાણીયા, 15 વર્ષ
શોખ માટે સ્ટાર્ટ કરેલા ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બનવાનું સ્વપ્ન
'મેં ફન એક્ટિવિટી માટે ચેસ રમવાનું શરૂ કર્યું હતું પરંતુ ધીરે ધીરે મને રસ પડયો તેથી પ્રોફેશનલ કોચિંગ લેવાનું નક્કી કર્યું. હાલ, હું નવમા ધોરણમાં અભ્યાસ કરું છું અને નિયમિત ચાર કલાક ચેસની પ્રેક્ટિસ કરું છું. અત્યાર સુધીમાં હું જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ચેસની વિવિધ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ ચૂક્યો છું. આ મહિનામાં યોજાયેલી નેશનલ ચેસ ટૂર્નામેન્ટમાં દ્વિતીય રેંક અને અન્ય સાત જેટલી જિલ્લા અને રાજ્ય કક્ષાની ચેસ કોમ્પિટીશનમાં ટોપ- ૩ રેંક મેળવ્યા છે. હું ચેસને મારો જીવનમંત્ર બનાવી આવનાર પાંચ વર્ષમાં ગ્રાન્ડ માસ્ટર બનવાનું ધ્યેય રાખું છું.' - મન અકબરી, ૧૪ વર્ષ
ઇન્ટરનેશનલ લેવલની ચેસ કોમ્પિટીશનમાં ભાગ લીધો
'મને ચેસ રમવાની પ્રેરણા મારા પિતા પાસેથી મળી હતી. નાનપણમાં શરૂઆતના ધોરણે તેમની પાસેથી શીખ્યો અને ત્યારપછી પ્રોફેશનલ કોચિંગ 2004માં લીધું. તે સમયે ચેસનું પ્રમાણ નહીંવત્ હતું તેની સરખામણીએ અત્યારે ચેસનો વ્યાપ ઘણો વધ્યો છે. મારા માટે ચેસ શોખ નહીં, એક આદરપૂર્ણ રમત છે. મેં ચેસની ૩૦ જેટલી ટૂર્નામેન્ટમાં ભાગ લઇને એવોર્ડ અને મેડલ્સ પણ મેળવ્યાં છે. દિલ્લી અને બોમ્બે આઇ.આઇ.એફ.એલ. દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.' -જય કુંડલિયા, 29 વર્ષ








