Get The App

પ્રેમમાં પાગલ 'ટેકનોક્રેટ' યુવતીની કરતૂત: ગુજરાત સહિત 11 રાજ્યમાં બોમ્બની ધમકીઓ આપી

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમમાં પાગલ 'ટેકનોક્રેટ' યુવતીની કરતૂત: ગુજરાત સહિત 11 રાજ્યમાં બોમ્બની ધમકીઓ આપી 1 - image


Chennai women techie held for bomb threat: ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારા આરોપીની ચેન્નઈમાંથી ધરપકડ થઈ છે. અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી એક યુવતીની ચેન્નઈમાંથી ધરપકડ કરી હતી. જેની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની તપાસ માધ્યમથી આરોપી રેની જોસિલ્ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2022થી ચેન્નઈમાં ડેલોઇટ USIમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી જોસિલ્ડાએ પોતાની ઓળખ અને સ્થાન છુપાવવા માટે મલ્ટીપલ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ (VPN), નકલી ઇમેઇલ ID અને ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો. તેણે કથિત રીતે સરખેજમાં જિનિવા લિબરલ સ્કૂલ, બોપલમાં દિવ્ય જ્યોત સ્કૂલ, અસારવામાં BJ મેડિકલ કોલેજ અને મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અગ્રણી સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતા અનામી એકાઉન્ટ્સમાંથી 21 થી વધુ ઇમેઇલ મોકલ્યા હતા. આ ઈમેઈલની તપાસ દરમિયાન સાયબર સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને કોમ્યુનિકેશન પેટર્નનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં જોસિલ્ડાની ઈન્ટરનેટ એક્ટિવિટી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાતા નકલી એકાઉન્ટ્સની ઓળખ થતાં મહત્ત્વની કડી મળી હતી. 

પ્રેમમાં પાગલ 'ટેકનોક્રેટ' યુવતીની કરતૂત: ગુજરાત સહિત 11 રાજ્યમાં બોમ્બની ધમકીઓ આપી 2 - image

પોલીસનું ધ્યાન દોરવા આપી હતી ધમકી

3 જૂન, 2025ના રોજ તેણે સવારે 10.58 વાગ્યે જિનિવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ કર્યો હતો. તેણે divijprabhakara0@gmail.com ઈમેઈલ આઈડી પરથી મેઈલ કર્યો હતો કે, પોલીસ ઊંઘી રહી છે. તે કંઈ જ કરી રહી નથી. તેણે કેવી રીતે તપાસ કરવી જોઈએ તેની પણ જાણ નથી. જો બાળકો મરશે તો જ પોલીસ સક્રિય બનશે. અમે 2023માં હૈદરાબાદની લેમન ટ્રી હોટલમાં દુષ્કર્મનો ભોગ બનનારી પીડિતા તરફ પોલીસનું ધ્યાન દોરવા માટે બોમ્બથી ઉડાવવા જઈ રહ્યા છીએ. 

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, જોસિલ્ડા સાયબર ટૂલ્સ અને સોશિયલ એન્જિનિયરિંગમાં કુશળ હતી. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવનારી જોસિલ્ડા છેલ્લા એકથી વધુ વર્ષથી આ પ્રકારના ધમકીભર્યા ઈમેઈલ જુદા-જુદા અંદાજે 11 રાજ્યોમાં મોકલ્યા હતાં. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અત્યારસુધીમાં કુલ 21 ઈમેઈલ શોધી કાઢવામાં આવ્યા છે. આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની જાણકારી મેળવવા તપાસ ચાલુ છે.

પ્રેમમાં પાગલ 'ટેકનોક્રેટ' યુવતીની કરતૂત: ગુજરાત સહિત 11 રાજ્યમાં બોમ્બની ધમકીઓ આપી 3 - image

એકતરફી પ્રેમ અને બદલો લેવાની ભાવના

પોલીસ તપાસમાં રેની જોસિલ્ડાના આ કૃત્ય પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. રેની એક યુવકના એકતરફી પ્રેમમાં પાગલ હતી. તે યુવકે રેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ યુવક પ્રત્યેની ધિક્કાર અને બદલો લેવાની ભાવનાથી પ્રેરાઈને રેનીએ આ ભયાવહ કાવતરું રચ્યું હતું.

પ્રેમમાં પાગલ 'ટેકનોક્રેટ' યુવતીની કરતૂત: ગુજરાત સહિત 11 રાજ્યમાં બોમ્બની ધમકીઓ આપી 4 - image

Tags :