Get The App

પાદરા તાલુકાની સીમમાં કંપનીમાંથી રૃા.૭૪.૨૨ લાખ કિંમતના કેમિકલ પાવડરના ડ્રમની ચોરી

કંપનીમાંથી છૂટા કરાયેલા કર્મચારીએ બીજા દિવસે જ ધાપ મારી ઃ ઓરડીઓમાં રહેતા અન્ય કર્મચારીઓ પણ ફરાર

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
પાદરા તાલુકાની સીમમાં  કંપનીમાંથી રૃા.૭૪.૨૨ લાખ  કિંમતના કેમિકલ પાવડરના ડ્રમની ચોરી 1 - image

પાદરા તા.૨૪ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી અમી લાઇફ સાયન્સ કંપનીમાંથી પાણા કરોડ રૃપિયાનું કિંમતી ૫% રોડિયમ ઓન કાર્બન (કેટાલિસ્ટ) પદાર્થની ચોરી થઇ છે. કંપનીમાં કોન્ટ્રાક્ટ લેબર તરીકે કામ કરતા એક કર્મચારી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું કંપની તપાસમાં બહાર આવ્યું છે.

કંપનીમાં પ્લાન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા કિશોરભાઇ ગોવિંદભાઇ રામાણીએ વડુ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૪ના રોજ વહેલી સવારના પ્લાન્ટ નં.૬ માં રાખેલા ૫% રોડિયમ ઓન કાર્બન પાવડરનું કુલ ૨૦ કિલો વજનનું ૧ ડ્રમ ગાયબ હોવાનું જણાયું હતું. આ મટિરિયલનું ડ્રાય વજન ૯.૨૨૧ કિલો છે, જેની બજાર કિંમત પ્રતિ કિલો રૃ.૮.૦૫ લાખ મુજબ કુલ રૃ.૭૪.૨૨ લાખ થાય છે. 

કંપનીના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ તપાસતાં જાણવા મળ્યું હતું કે કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો લેબર રાહુલ સુરેશભાઇ રાજપુત, જેની સેવા કંપનીએ એક દિવસ પૂર્વે બંધ કરી હતી, તે તા.૧૪મી નવેમ્બરની વહેલી સવારે કંપનીમાં ઘૂસ્યો હતો. તેણે પ્લાન્ટ-૬માંથી ડ્રમ ઊંચકીને નાના દરવાજા દ્વારા બહાર કાઢ્યું હતું. સીસીટીવીમાં રાહુલને બહાર નીકળતી વખતે એક બીજા અજાણ્યા ઈસમ સાથે મળીને ડ્રમ લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાહુલ ઉપરાંત તેની સાથે રહેતા વધુ ૭ જેટલા લેબર ગંગારામ શિવરામ રાજપૂત, વિપીન રામમત રાજપૂત, રાહુલ ઉપેન્દ્ર રાજપૂત, દીપક બ્રીજગોપાલ રાજપૂત, અંકિત રામમુત રાજપૂત, અરવિંદ સુરેન્દ્ર રાજપૂત  ઘટના બાદથી નોકરી પર આવતા બંધ થઈ ગયા છે. આ તમામ લેબર કરખડી ગામની સીમમાં ફિલોડીન કંપની સામે ગિરીશભાઇ પટેલની ઓરડીઓમાં રહેતા હતા. ઘટના બાદ તમામ લોકો અચાનક ગાયબ થઈ ગયા હોવાથી તેઓ પર શંકા દ્રઢ બની છે.