Baroda

વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલારાજ, તમામ મુખ્ય સમિતિઓ મહિલા હસ્તક

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલા રાજ અમલમાં આવ્યું છે. આજે 8 સમિતિઓની રચનામાં, મુખ્ય 4 સમિતિઓમાં મહિલાઓનો દબદબો જળવાયો છે. પ્રમુખ જ્યોત્સનાબેન રબારી અને કારોબારી ચેરમેન કૈરવીબા વાઘેલા સહિત મહિલાઓએ મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. જોકે, મહિલા અને બાળ વિકાસ સમિતિમાં પુરુષ સભ્યની પસંદગી થતાં વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલારાજ, તમામ મુખ્ય સમિતિઓ મહિલા હસ્તક

વડોદરા જિલ્લા પંચાયતમાં હવે મહિલા રાજ અમલમાં આવ્યું છે.આજે આઠ સમિતિઓની રચનામાં પણ મુખ્ય ચાર સમિતિઓમાં મહિલાઓનો દબદબો જળવાયો છે.ચેરમેનના પ્રાથમિક નામો નક્કી થઇ ગયા બાદ હવે ટૂંક સમયમાં જ દરેક સમિતિ સત્તાવાર ચેરમેનની વરણી કરશે.
વડોદરા જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ ૩૪માંથી ૩૨ બેઠકો ભાજપે હાંસલ કર્યા બાદ પ્રથમ ત્રણ મુખ્ય હોદ્દાઓમાં બે હોદ્દા મહિલાને ફાળવવામાં આવ્યા હતા.જેમાં પ્રમુખ તરીકે કરજણના જ્યોત્સનાબેન રબારી અને કારોબારી ચેરમેન તરીકે રણોલીના કૈરવીબા વાઘેલાનો સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયતના વહીવટ માટે આજે જુદીજુદી આઠ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને તેમાં પણ મહિલાઓનું પ્રભુત્વ રહ્યું છે.આઠમાંથી મહત્વની ચાર સમિતિઓમાં મહિલા ચેરપરસન બનશે.જ્યારે આરોગ્ય સમિતિમાં ડભોઇની નડા બેઠકના સદસ્યનું નામ લગભગ નિશ્ચિત છે.
જિલ્લા પંચાયતની પરંપરા મુજબ, સમિતિઓની રચનામાં પહેલું નામ ચેરમેનનું હોય છે.આ નામ જવલ્લે જ બદલાતું હોય છે.સમિતિઓમાં સભ્યોના નામો મુકાયા બાદ હવે દરેક સમિતિની અલગ અલગ મીટિંગ મળશે અને તેમાં પહેલા નામવાળા ચેરમેનની સત્તવાર વરણી કરવામાં આવશે.
આજે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ પદે મળેલી સામાન્ય સભામાં જાહેર કરાયેલી સમિતિઓમાં કારોબારી ઉપરાંત શિક્ષણ, બાંધકામ અને અપીલ સમિતિના ચેરપરસન તરીકે મહિલાના નામો નક્કી છે. જ્યારે, આરોગ્ય સમિતિ,મહિલા અને બાળ વિકાસ સમિતિ,સિંચાઇ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે પુરુષના નામો નક્કી છે.

જિ.પં.ની સમિતિઓની રચનામાં વિખવાદ
મહિલા અને બાળ વિકાસ સમિતિમાં પુરુષ સભ્યની પસંદગી

વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચનામાં વિખવાદ સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.મહત્વની સમિતિઓમાં જિલ્લાના હોદ્દેદારોએ માનીતાઓને સમાવ્યા હોવાની ચર્ચા કેન્દ્રમાં રહી છે.
જિલ્લા પંચાયતની આઠ સમિતિઓમાં મહિલા,બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓ માટે પણ સમિતિ બનાવવામાં આવી છે.જે સમિતિમાં ક્યારેક પુરુષ સદસ્યનો સમાવેશ થતો હોય છે.પરંતુ ચેરમેન પદે ક્યારે પણ પુરુષ આવ્યા નથી.
મહિલાના અધિકારવાળી આ સમિતિના આજે પાંચ સભ્યોના નામો જાહેર થયા તેમાં સૌથી પહેલું નામ પાદરાની મોભા બેઠકના સદસ્ય રાજવીરસિંહ પરમારનું છે.તેઓ સત્તાવાર રીતે ચેરમેન સમિતિની મીટિંગમાં જાહેર થશે.પરંતુ સમિતિની રચનામાં પહેલું નામ હોવાથી આજે શુભેચ્છકોએ અભિનંદન આપ્યા હતા.જેથી આ સદસ્યએ પોતે મહિલાનો અધિકાર લઇ ચેરમેન બનવાની અનિચ્છા દર્શાવી હતી.
પ્રદેશ પ્રમુખે જેના નિવાસ્થાને મીટિંગ લીધી તે જ આગેવાન કપાયા
વડોદરા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં બહારના બે કોઓપ્ટ સભ્યનો સમાવેશ કરવાનો નિયમ છે.જેમાં એક સદસ્ય શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલો હોવો જરૃરી છે.આ માટે અગાઉ ધર્મેશ પંડયાનો બે વાર સમાવેશ કરાયો હતો.આ વખતે પણ તેમના નામની ચર્ચા હતી.ભાજપના પ્રદેશ પ્રમુખ આજે વડોદરા આવ્યા ત્યારે ઉપરોક્ત સિનિયર આગેવાનના પીપરીયા ખાતેના નિવાસ્થાને પૂર્વ હોદ્દેદારોની મીટિંગ પણ કરી હતી.પરંતુ આ સદસ્યને જ શિક્ષણ સમિતિમાંથી પડતા મુકી ડભોઇના શશીકાન્ત પટેલનો સમાવેશ કરાતાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપના સિનિયર હોદ્દેદારોએ તેમની અવગણના થતી હોવાની હૈયાવરાળ ઠાલવી
સહકારી સંસ્થાઓની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
વડોદરા જિલ્લાના સંગઠનના હાલના કેટલાક હોદ્દેદારો દ્વારા સિનિયર આગેવાનો અને પૂર્વ હોદ્દેદારોની અવગણના કરવામાં આવતી હોવાની હૈયાવરાળ પ્રદેશ પ્રમુખ સમક્ષ ઠાલવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપનો ગ્રાફ જેમ ઊંચો જતો જાય છે તેમ સિનિયર અને પૂર્વ હોદ્દેદારોની અવગણના થઇ રહી હોવાના કિસ્સા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે.પરિણામે આજે પીપરીયા ખાતે પ્રદેશ પ્રમુખે ભાજપના સિનિયર આગેવાનને ત્યાં એક મીટિંગ કરી હતી.જેમાં પૂર્વ હોદ્દેદારો હાજર રહ્યા હતા.આ મીટિંગમાં કેટલાક હોદ્દેદારોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.આ સાથે સહકાર ક્ષેત્રની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેરકરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

સભામાં અધિકારીઓની પાંખી હાજરી, કારોબારી ચેરપરસનને નવી ઓફિસ
વડોદરા જિલ્લા પંચાયતની આજે બીજી વાર મળેલી સામાન્ય સભામાં શાળા પ્રવેશોત્સવને કારણે અધિકારીઓની હાજરી ખૂબ જ ઓછી જણાઇ હતી.જ્યારે કારોબારી ચેરપરસનની ચોથે માળે આવેલી ઓફિસ શિફ્ટ કરીને બીજા માળે પ્રમુખ-ઉપપ્રમુખની ઓફિસની નજીક બનાવવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખની ઓફિસ વિરોધ પક્ષની ઓફિસમાં શિફ્ટ કરવામાં આવી છે.