યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેરડીના કૂચામાંથી ઈથેનોલ જેવું બાયોફ્યુઅલ બનાવ્યું
વડોદરાઃ ભારતમાં હવે શેરડીના રસમાંથી નીકળતી બાય પ્રોડકટનો ઉપયોગ કરીને ઈથેનોલ બનાવાય છે અને તેને પેટ્રોલમાં ભેળવવાનું શરુ કરાયું છે.બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોને શેરડીના ફેંકી દેવાતા કૂચામાંથી પણ બાયો ફ્યુઅલ તૈયાર કરવામાં પ્રાથમિક તબક્કે સફળતા મળી છે.
કેમેસ્ટ્રી વિભાગના પૂર્વ હેડ અને વરિષ્ઠ અધ્યાપક પ્રો.અંજલિ પટેલના માર્ગદર્શન હેઠળ કવન ચૌહાણે પોતાના પીએચડી સંશોધનના ભાગરુપે શેરડીના કૂચા પર કેમિકલ પ્રક્રિયા કરીને તેમાંથી બાયો ફયુઅલ પ્રાપ્ત કર્યું છે.જોકે અત્યારે આ પ્રયોગ લેબોરેટરી સુધી સિમિત છે અને તેના વ્યાપારિક ઉપયોગની શક્યતાઓ ચકાસવાની બાકી છે.આ સંશોધન માટે પ્રોફેસર અંજલિ પટેલને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર દ્વારા ૨૦.૩૦ લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.
ડો.અંજલિ પટેલ અને તેમના પીએચડી સ્ટુડન્ટ કવન ચૌહાણનું કહેવું છે કે, સામાન્ય રીતે ભારતમાં બાયો ફયુઅલ તરીકે વપરાતા ઈથેનોલનું ઉત્પાદન શેરડીના રસને ઉકાળીને તેમાંથી નીકળતી મોલાસિસ નામની બાય પ્રોડકટમાંથી કરવામાં આવે છે.જ્યારે અમે શેરડીના ફેંકી દેવાતા કૂચામાંથી બાયો ફયુઅલ તૈયાર કર્યું છે.આ માટે અમે વિભાગમાં બનાવેલા એક કેટાલિસ્ટ( રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર ઉદ્દીપક)નો ઉપયોગ કર્યો છે.શેરડીના કૂચાને ગરમ પાણીમાં આ કેટાલિસ્ટ સાથે ૨૦૦ ડિગ્રી તાપમાન પર ઉકાળીને અમે આ બાયો ફયુઅલ પ્રાપ્ત કર્યું છે.
બાયોફ્યુઅલની ક્ષમતા વધારે તેવા એડિટિવ્સ પર પણ સંશોધન
તેમના કહેવા પ્રમાણે શેરડીની ભારતમાં વ્યાપક ખેતી થાય છે અને શેરડીનો વેસ્ટ એટલે કે કૂચા વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય છે.આમ ફેંકી દેવાતા વેસ્ટનો ઉપયોગ બાયો ફયુઅલ બનાવવામાં થઈ શકે છે તેવી એક શક્યતાનું સર્જન આ સંશોધનથી થયું છે.તેની સાથે સાથે શેરડીના કૂચામાંથી વર્તમાનમાં માર્કેટમાં ઉપલબ્ધ બાયોફયુઅલની કાર્યક્ષમતા વધી શકે તેવા એડિટિવ્સ બનાવવા પર પણ અમે અત્યારે કામ કરી રહ્યા છે.
એક ટન શેરડીમાંથી ૨૮૦થી ૩૦૦ કિલો કૂચા નીકળે છે
શેરડીના ઉત્પાદનમાં ગુજરાત પણ આગળ પડતું છે.ગુજરાતમાં દર વર્ષે ૧૭.૪૪ લાખ ટન ખાંડનું ઉત્પાદન થાય છે.આ પ્રક્રિયા દરમિયાન દર એક ટન શેરડીમાંથી ૨૮૦ થી ૩૦૦ કિલો શેરડીના કૂચા નીકળે છે.અત્યારે ૫૦ ટકા જ કૂચાનો ઉપયોગ ખાતર પ્રોડક્શન માટે, કાગળ બનાવવા માટે અને સિમેન્ટ ઉદ્યોગોમાં થાય છે.બાકીના ૫૦ ટકા કૂચા ઉપયોગના અભાવે ખાંડની મિલોમાં લાંબા સમય સુધી પડી રહે છે અને ચોમાસામાં પલળી જવાથી ખરાબ થઈ જાય છે.ક્યારેક ઉનાળામાં વધારે પડતી ગરમીના કારણે તેમાં આગ લાગવાનું પણ જોખમ રહે છે.આ સંજોગોમાં જો શેરડીના કૂચાનો ઉપયોગ બાયો ફ્યુઅલ બનાવવા માટે થાય તો શેરડીના વેસ્ટના નિકાલની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે.
કૂચામાં રહેતા ત્રણ તત્વો મહત્વના
શેરડીના કૂચામાં મુખ્યત્વે સેલ્યુલોઝનું પ્રમાણ ૫૦ ટકા જેટલુ, હેમી સેલ્યુલોઝનું ૨૫ ટકા તથા લીગ્નિનનું ૨૫ ટકા જેટલુ પ્રમાણ હોય છે.આ તત્વોનું જ્યારે કેટલિસ્ટ સાથે ૨૦૦ ડિગ્રી ગરમ પાણીમાં સંયોજન થાય છે ત્યારે તેમાંથી બાયો ફયુઅલ તારવી શકાય છે.આ પ્રકારના બાયો ફ્યુઅલને કેમેસ્ટ્રીની ભાષામાં ફુરફુરાલ કહેવામાં આવે છે.