ભેંસાણના ભાટગામ નજીક ઉબેણ ડેમમાંથી 22 મોટર પકડાઇ : ખેડૂતો સામે ગુના દાખલ કરતો સિંચાઈ વિભાગ ગેરકાયદે ઘાટ માલિકો પાસે ઘૂંટણીયે : કાર્યવાહી કરવાના બદલે ભીનું સંકેલી લીધાનો આક્ષેપ
જૂનાગઢ, : ભેંસાણના ભાટગામ નજીક ઉબેણ સિંચાઈ પરિયોજના આવેલી છે. આ ડેમમાંથી સિંચાઈનું પાણી અપાય છે. આ વિસ્તારમાં ગેરકાયદે ધોલાઈઘાટ ધરાવનારાઓએ મોટર મુકી મોટા પ્રમાણમાં પાણી ચોરી શરૃ કરતાં ગામની મંડળીના આગેવાનોએ સિંચાઇ વિભાગને જાણ કરી હતી. ડેમમાં પાણી ચોરી માટે મુકાયેલી 22 મોટર પકડાઈ હતી, જેની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું. ખેડૂત સામે ગુના દાખલ કરતું તંત્ર ગેરકાયદે ઘાટ ધરાવતા લોકો સામે ઘુંટણીયે પડી ગયું હોવાના આક્ષેપ ઉઠયા છે.
ભાટગામ નજીક ઉબેણસિંચાઈ પરિયોજના બનાવવામાં આવી છે, જેમાંથી જૂનાગઢ અને જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આસપાસમાં ગેરકાયદે ધોલાઈ ઘાટ ધરાવતા શખ્સોએ સિંચાઈ માટેના આ ડેમમાં મોટર માંડી બેફામ પાણી ચોરી કરી હતી. 24 કલાક સુધી 22 મોટર દ્વારા પાણી ઉલેચવામાં આવી રહ્યું હતું. આ બાબત ગામની મંડળીના હોદેદારોના ધ્યાનમાં આવતા તપાસ કરી હતી જ્યાં ડેમમાં મુકવામાં આવેલી 22 મોટર, કેબલ, પાણીનો લાઈન પકડાઈ હતી. આ અંગે સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા અને કાર્યવાહી કરવાના બદલે જેની મોટર હતી તેના નામ લઈ ફોટો પાડી ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું.
આ મામલે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાન કિશોરભાઈ પટોળીયાએ જણાવ્યું હતું કે, કોઈ ખેડૂત પાક બચાવવા પાણી માટે ડેમમાં મોટર માંડે તો તેની સામે પાણી ચોરીનો ગુનો દાખલ કરી હેરાન કરવામાં આવે છે પરંતુ કેમિકલ માફિયાઓ દ્વારા ૨૨ જેટલી મોટર મુકી ખેડૂતોની સિંચાઇ માટેના ડેમમાંથી ૨૪ કલાક પાણી ચોરી કરવામાં આવી તેમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું છે જેની સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગત વર્ષે ખેડૂત સામે પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો આ કેસમાં તંત્ર કેમ કેમિકલ માફિયાઓના ઘૂંટણીયે પડી ગયું છે ? વિજતંત્રની પણ આંખ આડા કાન કરવાની નીતિના લીધે બેફામ પાણી ચોરી થઈ રહી છે ત્યારે આ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એ જરૃરી છે.
ડેમની નજીક જવાની મનાઈ પરંતુ ખોદકામ કરી પાઇપલાઈન નાખી લીધી
વિશ્વબેંકની લોનથી બનેલા આ ડેમની આસપાસ જવાની પણ મનાઈ છે તેમ છતાં પાણી ચોરી કરતા કેમિકલ માફિયાઓએ પાળાઓમાં ખોદકામ કરી પાણીની પાઇપલાઇન નાખી લીધી હતી. આ ખોદકામથી પાળો ડેમેજ થયો છે. ચોમાસામાં પાણી ભરાય ત્યારે તેમાં થયેલા ડેમેજથી પાળો તૂટી જાય તો કોની જવાબદારી એવો સવાલ ઉઠયો છે.


