અમૂલ ચીઝ પ્લાન્ટમાંથી કેમિક્લયુકત પાણી કેનાલમાં છોડતા ખેતી પર અસર
- મહેમદાવાદના જીભયપુરા પાસે
- બે ગામનો સરપંચનો રજૂઆતો છતાં ઉકેલ નહીં : બે દિવસ પહેલા જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા
મહેમદાવાદ તાલુકાના ખાત્રક ચોકડી - નડિયાદ રોડ પર આવેલા અમૂલ ચીઝ પ્લાન્ટ દ્વારા કેમિક્લયુક્ત પાણી તળાવમાંથી પાઇપલાઇન નાખીને છોડવામાં આવી રહ્યું છે.આ પાણી દેવકી વણસોલ ગામ તરફ જઇ રહ્યું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે વધુ પાણી છોડવામાં આવી રહ્ય્ છે. આ પાણીના કારણે આસપાસના ખેતરોમાં પાક નિષ્ફળ જઇ રહ્યો છે.વણસોલ ગામ બાજુના મુખ્ય રોડ પર પાણી ભરાયેલુ રહે છે.
આ મામલે જીભઇપુરા અને દેવકી વણસોલ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નક્કર પગલાં લેવાયા નથી.
અમૂલ ચીઝ પ્લાન્ટમાં બોર બનાવીને ગંદુ પાણી જમીનમાં ઉતારવામાં આવી રહ્યું છે. જેના કારણે આસપાસના પીવાના પાણીના બોરમાં પણ દુર્ગધયુક્ત પાણી આવી રહ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જોકે બે દિવસ પહેલા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ખાનગી કંપનીને પાણી કાઢવાની મંજૂરી સિંચાઈ વિભાગનો પહેલો કિસ્સો
સિંચાઈ વિભાગ દ્વારા પહેલીવાર કોઈ ખાનગી સંસ્થાને કેનાલમાંથી પાણી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોય ત્યારે જ પાણી છોડવામાં આવે છે. પરંતુ, ખેડા જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા એક પ્રાઇવેટ સંસ્થાને આ પ્રકારની મંજૂરી આપતા અનેક સવાલો ઉભા થયા છે. આસપાસના ખેડૂતોએ પણ આ મામલે વિરોધ કર્યો છે અને તંત્રની નીતિ સામે પ્રશ્નો ઉભા કર્યા છે.