સુરતના હોડી બંગલા વિસ્તારમાં પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવ્યું
Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી પાલિકાની ડ્રેનેજમાં કેમિકલ અને કલરવાળું પાણી નિકળવાની ફરિયાદ છે. હાલમાં ઉધના વિસ્તારમાં વરસાદી પાણી સાથે કેમિકલવાળું પાણી છોડવામાં આવતી હોવાની ફરિયાદ બાદ પાલિકા અને જીપીસીબીએ કાર્યવાહી કરીને ચાર તપેલા ડાઈંગ સીલ કરી છે. પાલિકા-જીપીસીબીએ ઉધના વિસ્તારમાં કાર્યવાહી કરી તો હવે વરીયાવી બજાર હોડી બંગલા વિસ્તારની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવવાનું શરૂ થયું છે.
સુરતમાં ગત રવિવારે પડેલા વરસાદ બાદ ઉધના અને ભેસ્તાન વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. જેમાં કેટલાક એકમો દ્વારા તેનો લાભ ઉઠાવીને ટ્રીટ કર્યા વિનાનું કેમિકલવાળું પાણી છોડી દેવામાં આવ્યું હતું. આ અંગેની ફરિયાદ બાદ મેયર અને સ્થાનિક ધારાસભ્ય દોડી ગયા હતા અને જીપીસીબીને સૂચના આપી કેમિકલ છોડવા વાળા એકમો સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. આ સુચના બાદ જીપીસીબી અને પાલિકાએ કેમિકલ છોડવાવાળા એકમોની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મહાબલ પ્રોસેસ, મમતા હેડ ડાઈંગ, પ્રગતિ ફેશન, એ.એન. ક્રિએશન મળી ચાર તપેલા ડાઈંગ સીલ કરવામાં આવી હતી. જેના કારણે હાલ પરંતુ ઉધના વિસ્તારની ડ્રેનેજમાંથી કેમિકલવાળું પાણી બહાર આવવાનું બંધ થયું છે.
પરંતુ હવે શહેરના સેન્ટ્રલ ઝોનમાં આવેલા હોડીબંગલા-વરીયાવી બજારમાં આવેલી ડ્રેનેજમાંથી કલરવાળું પાણી બહાર આવવાનું શરૂ થયું છે. જાહેર રસ્તા પરની ડ્રેનેજમાંથી પાણી બહાર આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. લોકો એવું કહી રહ્યાં છે ઘણી વાર આવી રીતે પાણી આવે છે. આ વિસ્તારમાં પણ અનેક તપેલા ડાઈંગ છે અને તેના કારણે અનેક વખત આવી રીતે કેમિકલવાળું પાણી બહાર આવે છે તેના કારણે વાસ મારે છે અને લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ઉધનાની જેમ આ વિસ્તારમાં પણ જીપીસીબી અને પાલિકા તપાસ કરે અને કેમિકલવાળું પાણી છો઼ડનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામા આવે તેવી માગણી કરી છે.