અમદાવાદ પોલીસ કમિશનરના સેક્ટર- ૧ના બંગલામાં રસોઇયાની પત્ની ગુમ

પતિને આંખમાં દવા નાખી ભેદી સંજોગોમાં લાપતા
પરિવાર સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતો હતો ઃ છેલ્લા ચાર દિવસથી પતો નહિ લાગતા પોલીસની તપાસ
ગાંધીનગર : અમદાવાદ પોલીસ કમિશનરના સેકટર-૧ ખાતેના બંગલોના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા રસોઈયાની પત્ની છેલ્લા ચાર દિવસથી ભેદી સંજોગોમાં ગાયબ થઈ જતાં સેકટર ૭ પોલીસે ગુમ થયાની જાણવાજોગ નોંધી તપાસ હાથ ધરીછે. પતિને આંખમાં દવા નાખી પુત્ર પણ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા પછી પરણિતા એકાએક ગુમ થઈ ગઈ હતી.
આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના પોલીસ કમિશનરનો સેક્ટર ૧માં પ્લોટ નંબર ૧૦૧/૨નો બંગલો આવેલો છે. જે
બંગલામાં રસોઈયા તરીકે મૂળ પાટણના વડલી ગામના ભરતભાઇ પ્રજાપતી છેલ્લા પંદર વર્ષથી
નોકરી કરે છે. ભરતભાઈના પરિવારમાં પત્ની સરોજ અને આઠ વર્ષનો પુત્ર છે. પરિવાર
પોલીસ કમિશનરના બંગલો ખાતેના સર્વન્ટ ક્વાર્ટસમાં રહે છે. ગત તા.૧૩ મી ડિસેમ્બરની
રાતે આઠેક વાગ્યાના અરસામાં ભરતભાઈને તેમની પત્ની સરોજબેને આંખમાં ટીપાં નાખી
આપ્યા હતા. બાદમાં સરોજ ઘરના કામકાજ કરવા લાગી હતી. રાતના બાર વાગે ભરતભાઈ જાગ્યા
તો પુત્ર ઘસઘસાટ સૂઈ ગયેલો જોવા મળ્યો હતો.પરંતુ સરોજબેન ક્યાંય જોવા મળ્યા ના
હતા. ઘરમાંથી સરોજબેનનું પર્સ પણ ગાયબ હતું. આથી ભરતભાઈએ બંગલો તેમજ આસપાસના
વિસ્તારમાં પત્ની સરોજની શોધખોળ આદરી હતી. જોકે સવાર પડવા સુધી સરોજબેનનો ક્યાંય
પત્તો લાગ્યો ન હતો. આખરે ભરતભાઈએ સેકટર ૭ પોલીસ મથકમાં પત્ની સરોજ ગુમ થયા અંગે
જાણવાજોગ નોંધાવી છે. જેના પગલે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી તેમજ સીડીઆર
મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. સરોજબેને બ્લ્યુ કલરનો ડ્રેસ અને કાળા કલરનું
સ્વેટર પહેર્યું છે. જેમના જમણા હાથની કલાઈ ઉપર અંગ્રેજીમાં સરોજ નામ કોતરાવેલ છે.








