ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ સત્તાધીશોએ બનાવેલી કમિટીએ ચેકિંગ શરુ કર્યું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં જમનાર વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયા બાદ સત્તાધીશો ઉંઘમાંથી સફાળા જાગી ગયા છે.સત્તાધીશોએ તમામ મેસમાં ચેકિંગ માટે અધ્યાપકોની એક કમિટી બનાવી છે.
આ કમિટી દ્વારા આજે પોલીટેકનિકના હોસ્ટેલ કેમ્પસમાં આવેલી આરટી હોલ પાસેની મેસમાં ચેકિંગ કર્યું હતું.કમિટી ના સભ્યોએ મેસ ચલાવનારાને ચેતવણી આપી હતી કે, ભોજનની ગુણવત્તા ખરાબ હશે કે પછી સ્વચ્છતાનો અભાવ હશે તો કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.સાથે સાથે કમિટીએ મેસમાં સ્વચ્છતા રાખવા માટેના સૂચનો પણ કર્યા હતા.કમિટીના સભ્યોએ વિદ્યાર્થીઓને પણ ભોજનની ગુણવત્તા અંગે ત્યાં જમતા વિદ્યાર્થીઓના પણ અભિપ્રાય લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, સત્તાધીશોએ બનાવેલી કમિટીમાં કન્વીનર તરીકે એન્વાર્યમેન્ટ સાયન્સના હેડ પ્રો.પદમજા સુધાકરની નિમણૂક કરવામાં આવી છે.સભ્યો તરીકે હોમસાયન્સના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના બે અધ્યાપકો વનિશા નામ્બિયાર તેમજ સ્વાતિ ધુ્રવ, ઝૂલોજી વિભાગના અધ્યાપક ડો.રણજિતસિંહ દેવકર અને પોલીટેકનિકના મિકેનિકલ એન્જિનિયરિંગના અધ્યાપક સંદીપ ગોખલેનો સમાવેશ થાય છે.આ કમિટી દ્વારા હોસ્ટેલમાં દર સપ્તાહે એક વખત મેસમાં ચેકિંગ કરવામાં આવશે અને તેની સાથે સાથે કમિટિ મેસમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરશે.