વડોદરામાં ટોબેકો એક્ટ અંતર્ગત પાલિકાની ખોરાક શાખા અને એસ.ઓ.જી. પોલીસનું ચેકિંગ
Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ટોબેકો એક્ટ અંતર્ગત પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ગતરોજ શહેરના અલગ અલગ બે ઝોન તથા આજે તે સિવાયના અન્ય બે ઝોનમાં ચેકિંગ સાથે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ટોબેકો એક્ટ અંતર્ગત જે લારી, ગલ્લા કે કાફે ખાતે ટોબેકોનું વેચાણ થાય છે ત્યાં "નો સ્મોકિંગ", "18 વર્ષથી નાના બાળકોએ તમાકુનું વેચાણ કરવું નહીં" સહિતના બોર્ડ મુકવા અનિવાર્ય છે. આ ઉપરાંત ટોબેકો એક્ટ અંતર્ગત દુકાન, કાફે કે લારી સંચાલકો નિયમનું પાલન કરે છે કે નહીં? એ મામલે છેલ્લા બે દિવસથી કાર્યવાહી ચાલુ ચાલી રહી છે. શહેર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમની સૂચનાથી પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ગતરોજ ટોબેકો એક્ટ અંતર્ગત દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટોબેકો એક્ટનો ભંગ જણાય તો સ્થળ પર રૂપિયા 200 સુધીના દંડની વસૂલાત કરવામાં આવી હતી. તેવી જ રીતે, ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમ અને એસઓજી પોલીસે સંયુક્ત રીતે આજે શહેરના ઉત્તર અને પૂર્વ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું છે. આજરોજ ફતેગંજ, સમા સાવલી રોડ સહિતના સ્થળોએ સંયુક્ત ટીમે વિવિધ કાફેમાં ચેકિંગ કરવા સાથે દંડની વસુલાત હાથ ધરી છે.