સૌરાષ્ટ્રમાં ભરઉનાળે કમોસમી વરસાદથી ચેકડેમ છલકાયા : નદી-નાળામાં નવા નીર
કાળઝાળ ગરમીનો પારો ગગડયો, ને વાતાવરણ ટાઢુંબોળ સાવરકુંડલા, લીલીયા, ભાયાવદર, જામકંડોરણા, સુલતાનપુર, જામજોધપુર, ધોરાજી, બગસરા, ફલ્લા વગેરે શહેરો-ગામોમાં વાદળછાંયું વાતાવરણ, માવઠાંથી ખેતીપાકને નુકસાન
અમરેલી, : સૌરાષ્ટ્રમાં ભરઉનાળે ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવવા સાથે ચાલુ થયેલા કમોસમી વરસાદથી હવે કેટલાક ચેકડેમ છલકાયા છે અને નદી-નાળામાં નવા નીર પણ આવ્યા છે. આ સાથે કાળઝાળ ગરમીનો પારો ગગડયો છે અને વાતાવરણ ટાઢુંબોળ બન્યું છે. ત્રણ દિવસથી સાવરકુંડલા, લીલીયા, ભાયાવદર, જામકંડોરણા, સુલતાનપુર, જામજોધપુર, ધોરાજી, બગસરા, ફલ્લા વગેરે શહેરો-ગામોમાં વાદળછાંયું વાતાવરણ યથાવત રહ્યું છે અને માવઠાંથી ખેતીપાકને નુકસાન થયાની ફરિયાદો પણ ઉઠવા લાગી છે.
* સાવરકુંડલા તાલુકાના પીઠવડી, વંડા, મોટા ભમોદરા, નેસડી, કરજાળા, ઓળીયા, બાઢડા વગેરે ગામોમાં આજે પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં સારો વરસાદ હોવાથી હનુમાનજી આશ્રમ નજીક આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. અણધાર્યા માવઠાંથી શાકભાજી, બાજરી અને અન્ય ઉનાળુ પાકને નુકસાન થયું છે અને ખેડૂત સંગઠનોએ સરકાર પાસે સર્વે કરાવી તાત્કાલિક વળતર આપવા માંગ કરી છે. * લીલીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે બપોરે તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર એક ઈંચ જેવો વરસાદ વરસી પડયો હતો. આ સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આ માવઠાંથી થોડી વાર માટે ઠંડક પ્રસરી હતી, પણ બાદમાં અસહ્ય બફારો ચાલુ થઈ ગયો હતો. ગઈકાલ બાદ આજે પણ પોણો ઈંચ જેવો વરસાદ પડયો હતો. * ભાયાવદરમાં ત્રણ દિવસથી અષાઢી માહોલ જામ્યો છે, જેમાં આજે બપોરે માત્ર અડધા કલાકમાં અનરાધાર દોઢ ઈંચ વરસાદ ખાબડી પડતા જળબંબાકાર સર્જાયો હતો. જેથી બાજરો, તલ, મગ, કાંજી, ડુંગળી વગેરે ઉનાળું પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. * જામકંડોરણામાં આજે પણ ચોમાસા જેવો માહોલ જામ્યો હતો અને વધુ એકાદ ઈંચ જેવા કમોસમી વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે પાકને નુકસાન થવાથી ચિંતા પ્રસરી છે. * ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદથી દેરડી રોડ પર વૃક્ષ ધરાશાયી થઈને વીજલાઈન પર પડયું હતું. જેથી વીજ પુરવઠો અને પાણી વિતરણ ખોરવાઈ ગયું હતું. પાકને પણ નુકસાન થયું છે. * જામજોધપુરમાં આજે સવારથી ભારે બફારા બાદ બપોરે પોણા ત્રણ વાગ્યે ધોધમાર વારસાદ ચાલુ થયો હતો અને પોણી કલાકમાં દોઢ ઈંચ વરસી જતાં ખેડૂતોને દોડધામ થઈ ગઈ હતી. આ માવઠાંથી તલ, મગ, કેરી વગેરે ખેતીપાકને મોટાપાયે નુકસાન થયું છે. * ધોરાજીમાં આજે બીજા દિવસે પણ અચાનક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે ૩ વાગે ભારે બફારા બાદ મિનિ વાવાઝોડા સાથે એક કલાકમાં એક ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો. અચાનક વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. માર્કેટિંગ યાર્ડમાં જણસી પલળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. * બગસરામાં આજે બીજા દિવસે પણ સવારથી વાતાવરણમાં પલટા આવવાની સાથે સાંજ સુધીમાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉનાળુ પાક અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું જાણવા મળે છે. * ફલ્લામાં આજે સાંજે પાંચ વાગ્યે તોફાની પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. માવઠાના કારણે તલ સહિતના પાકને નુકસાન થયું છે.