Get The App

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો

ભાયલી-વાસણારોડ પર ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયેલા માલિક હિરલ કંસારાને રિમાન્ડ

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને  ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો 1 - image

વડોદરા, તા.4 ભાયલી-વાસણારોડ પરની ઓફિસમાં હાઉસ કિંપિંગનું કામ કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર  બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર કંપનીના સીઇઓની ધરપકડ બાદ છેલ્લા નવ મહિનાથી ફરાર ભેજાબાજ માલિક હીરલ કંસારાને પણ જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે.

વડસર બ્રિજ પાસે ઓમ રેસિડેન્સી ખાતે રહેતા કમલેશ ઇશ્વર મેકવાન ભાયલી-વાસણારોડ પર વિહવ એક્ષલ્સ ખાતેની વેલ્થ ટ્રેઇન પ્રા.લી. નામની કંપનીની ઓફિસમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો ત્યારે કંપનીના માલિક હીરલકુમાર સતિષચન્દ્ર કંસારા અને સોહમ ઉપેન્દ્ર માંકડ (બંને રહે.સિલ્વરનેટ સોસાયટી, ભાયલી)એ કમલેશને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપીને બેંકમાંથી તેના નામે લોનો લેવડાવી બંને ભેજાબાજોએ કુલ રૃા.૧૧.૬૪ લાખ મેળવી લીધા હતાં.

બાદમાં બંને ભેજાબાજોએ ડિરેક્ટર નહી બનાવતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. દરમિયાન બંને ભેજાબાજો ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયા હતાં. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કંપનીના સીઇઓ સોહમ ઉપેન્દ્ર માંકડની ધરપકડ કરી  હતી જ્યારે હીરલ સતિષચન્દ્ર કંસારા ફરાર હતો. તેના આધારકાર્ડ દ્વારા ચકાસણી કરતા તેને તેના મિત્રના સરનામા પર બોગસ ડોક્યૂમેન્ટ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન જિલ્લા એલસીબીએ તેને ઝડપી પાડી તાલુકા પોલીસને સોંપી દીધો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી તા.૮ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.