Gujarat

ભાયલીના વેપારી સાથે કંપનીમાં રોકાણ કરાવાના નામે 49 લાખની ઠગાઇ, એકની ધરપકડ

By GS TEAM
30 Jul 20252 mins read
ભાયલીના વેપારી સાથે કંપનીમાં રોકાણ કરાવાના નામે 49 લાખની ઠગાઇ, એકની ધરપકડ

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારના એક વેપારીને ફાર્મા કંપનીમાં રોકડ રકમનું રોકાણ કરવાના નામે રૃ.૪૯.૮૦ લાખનો ચૂનો ચોપડનાર મહિલા સહિતના આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી વકીલ કેતન શાહની ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ લીધો છે.

સનફાર્મા રોડ પર દેવેશ આઇકોન ખાતે રહેતા અને ભાયલીમાં અનંતા કન્સિસ પ્રા.લિ. ના નામે વેપાર કરતા મિતેષ બલરામ મેઘનાનીએ પોલીસને કહ્યું છે કે,છ મહિના  પહેલાં મારે કેતનભાઇ શાહ સાથે પરિચય થયો હતો.તેઓ વકીલ હોવાનું કહ્યું હતું અને કંપનીમાં રોકડ રોકાણ કરી ટ્રેડ પ્રોફિટ મેળવવા માટે ઓફર કરી હતી.

તેમણે એમક્યોર ફાર્માસ્યુટિકલ કંપનીનો કોન્ટ્રાક્ટ હોવાનું કહેતાં વિશ્વાસ બેઠો હતો અને મેં તેમના ખાતામાં રૃ.૧લાખ જમા કરાવ્યા હતા.ત્યારબાદ તા.૬ જાન્યુઆરીએ તેમના કહેવાથી કંપનીના યોગિતાસિંઘ ઉર્ફે હેમલત્તા શર્મા તેમજ મિરાજ કિરણભાઇ પારેખ(જીવનજ્યોત એપાર્ટમેન્ટ,બિલીમોરા) ની સાથે પીકે એન્ટરપ્રાઇઝમાં રૃ.૧ કરોડ લોડ કરાવ્યા હતા.જેનો રૃ.૧૫હજાર ચાર્જ મેં ચૂકવ્યો હતો.

વેપારીએ કહ્યું છે કે,યોગિતાસિંઘે આ કામ હાલ નહિ થાય તેમ કહેતાં મેં રૃપિયા પરત લીધા હતા.ત્યાબાદ  બીજા દિવસે હયાત હોટલમાં મીટિંગ કરી હતી.જેમાં મારા પાર્ટનર સંદિપભાઇ પણ હાજર હતા.યોગિતાસિંઘે કંપનીના હેડ કૌશલ શર્મા સાથે વાત પણ કરી હતી.મારી પાસે અલકાપુરી સેન્ટર પોઇન્ટખાતે આવેલી ડીકે એન્ટરપ્રાઇઝ કુરિયરમાં રૃ.૪૯.૮૦લાખ જમા કરાવવામાં આવ્યા હતા.મેં આ રકમ હોલ્ડ કરાવી હતી.પરંતુ યોગિતાસિંઘે ટોકન જનરેટ કર્યું હતું અને ટ્રાફિક નું બહાનું બતાવી ચાલી ગઇ હતી.

ત્યારબાદ મેં તપાસ કરતાં મુંબઇ મલાડની પટેલ પ્રાઇમ આંગડિયામાંથી આ રકમ કૃણાલ લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી અકોટા પોલીસે તમામ સામે ગુનો નોંધી કેતન ચિતરંજન શાહ(રેસકોર્સ,દ્વારિકા સોસાયટી)ની ધરપકડ કરી છે.