Get The App

બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા

કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવકે સંબંધ કેળવી શિક્ષિકા અને તેના પરિવારને ફસાવ્યો

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું  કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા 1 - image

વડોદરા,બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી શિક્ષિકા અને તેના પરિવારજનો પાસેથી ૩૯ લાખ પડાવી લેનાર સાળા બનેવી સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ સરદાર સહકાર સોસાયટીમાં રહેતા  ફરહીનબેન મલેક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૭ માં  હું ખટંબા પાસે આવેલી બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી હતી. ત્યારે મારો પરિચય ગમેશ ડુંગરભાઇ રાઠવા (રહે. નિશાળ ફળિયા,  તા.કવાંટ, જિ. છોટાઉદેપુર) સાથે થયો હતો. હું રક્ષાબંધનમાં તેને રાખડી બાંધતી હતી. ફેબુ્રઆરી - ૨૦૨૪ માં  ગમેશ રાઠવાએ મને  કહ્યું હતું કે, બરોડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ.માં જુનિયર ક્લાર્ક તરીકે મારી નોકરી લાગી છે. તેણે પોતાની પગાર સ્લીપ બતાવી હતી. જેમાં તેનો  પગાર ૫૬  હજાર હતો. તેણે એવું પણ કહ્યું હતું કે, હજી બીજી વેકન્સી બહાર પડવાની છે. તારે પણ ડેરીમાં નોકરી કરવી હોય તો કહેજે. ગમેશે મને કહ્યું હતું કે, હું ૧૧ લાખ આપીને ભરતી થયો છું. મ ેં તેેને કુલ પાંચ વ્યક્તિઓ મારી, મારા સગા ભાઇ આદિલ, પતિ રિફાકત, મારા કાકી રોશનજહાંની દીકરી રોઝમીન, દીકરા સાહિદને નોકરી અપાવવા માટે વાતચીત કરી હતી. મારી નોકરી જુનિયર ક્લાર્ક તરીકે તથા મારા પતિની નોકરી પરચેઝ ડિપાર્ટમેન્ટમાં, ભાઇની એન્જિનિયર, કાકીના દીકરાની ફાયર સેફ્ટી ઓફિસર અને કાકીની દીકરીની લેબ ટેકનિશિયન તરીકે નોકરી લગાવવાનું કહ્યું હતું.

થોડા દિવસ પછી ગમેશ મારા ઘરે મયંક પ્રવિણભાઇ રાઠવા (રહે. સ્વામિ નારાયણ સોસાયટી, પાવી જેતપુર, છોટાઉદેપુર) ને લઇને મારા ઘરે આવ્યો હતો. મયંકે પોતાની ઓળખાણ  બરોડા ડેરીમાં ભરતી બોર્ડના અધિકારી તરીકે આપી હતી. અને મારી પાસે જ નોકરી અપાવવાની સત્તા છે. તેવું કહ્યું હતું.ત્યારબાદ અમને જાણ થઇ હતી કે, બરોડા ડેરીમાં આવી કોઇ ભરતી થઇ જ નથી. આરોપીઓએ અમારી પાસેથી કુલ ૩૯ લાખ પડાવી લીધા હતા. મયંક રાઠવા આરોપી ગમેશનો સાળો થતો હોવાનું પણ અમને જાણવા મળ્યું હતું.


ટ્રેનિંગ, ઓફર અને સિલેક્શન લેટર મોકલી વિશ્વાસ કેળવ્યો

ચૂંટણીની આચાર સંહિતાને કારણે મોડું થશે તેવું કહી સમય પસાર કર્યો

વડોદરા,


શિક્ષિકાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપીએ મને ટ્રેનિંગનો લેટર મોકલ્યો હતો. તેણે અમને એવું કહ્યું હતું કે, તમારી નોકરી સેટિંગથી લાગી છે. એટલે તમારે ટ્રેનિંગમાં જવાનું નથી. તમારે માત્ર આવીને બેસવાનું જ છે. જેથી, અમે તથા અન્ય યુવકો મળી આઠ જણા માત્ર ડેરીમાં જઇને બેસી રહેતા  હતા.

ત્યારબાદ તેણે ઓફર લેટર અને એપોઇન્ટમેન્ટ લેટર પણ મોકલ્યા હતા. આચારસંહિતાની વાત કરી તેઓએ નોકરી માટે મોડું થશે. તેવું જણાવી સમય પસાર કર્યો  હતો.

Tags :