Gujarat

સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ

By GS TEAM
5 Jun 20261 min read
સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ

વડોદરાઃ વડોદરાના સમા-સાવલી રોડ પર રહેતા નિવૃત્ત કર્મચારીને તેમના પરિચિત મારફતે ભેટી ગયેલા ગઠિયાએ સાવલીની શ્રી સરકાર જમીન પાણીના ભાવે અપાવવાની લોભામણી વાતમાં ફસાવી અને પુત્રને તલાટીની નોકરી અપાવવાની ખાતરી આપી રૃ.૧૪ લાખની ઠગાઇ થતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

સમા-સાવલી રોડ પર  અજીતાનગરમાં રહેતા નિવૃત્ત કર્મચારી ચંદુભાઇ ગોહિલે પોલીસને કહ્યું છે કે, મંજુસરમાં રહેતા મારા પરિચિત રમણભાઇ ગોહિલ મારફતે મારે રમેશ ઉર્ફે મહેશ દેવજી ભાઇ વાઘેલા(પ્રહલાદનગર,સેટેલાઇટ, અમદાવાદ મૂળ રહે.કલ્યાણપુરા,કલોલ, ગાંધીનગર)નો સંપર્ક થયો હતો.

રમેશ ગોહિલે પોતે શ્રી સરકાર જમીન ખૂબ જ સસ્તામાં અપાવતા હોવાની વાતો કરી હતી અને સાવલીની ખાનગી કોલેજની સામે આવેલી ચાર એકર જમીન બતાવી રૃ.૩.૮૫ લાખ લેખે ભાવ નક્કી કર્યો હતો. હકિકતમાં આ જમીનનો બજાર ભાવ ગણીએ તો ચાર એકરનીઅંદાજિત કિંમત રૃ.૪ કરોડ જેટલો થાય છે.

ગઠિયાએ એન્ટ્રી,સ્ટેમ્પ ડયુટી,ફેન્સિંગ, કલેક્ટર કચેરીના પ્રોસિજર જેવા બહાના બતાવી વારંવાર રૃપિયા પડાવ્યા હતા.આ ઉપરાંત તેણે ચંદુભાઇના પુત્રને તલાટીની નોકરી અપાવવાના નામે પણ રૃ.૩  લાખ ખંખેરી લીધા હતા.

પરંતુ સવા વર્ષમાં રૃ.૧૪ લાખ ઉપરાંત ચૂકવ્યા પછી પણ જમીન નામે નહિ થતાં કે પુત્રને નોકરી નહિ મળતાં ચંદુભાઇને શંકા પડી હતી.જેથી તેમણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રમેશ વઘેલાની તપાસ હાથ ધરી છે.