વડોદરા,બે દિવસ માટે ગાડી ફેરવવા લઇ જવાનું કહી આરોપી ગાડી લઇને ભાગી ગયો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા તાલુકાના કમલાપુરા ગામે રહેતા ખેડૂત નીકુલ જયેશભાઇ પટેલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી પાસે વર્ષ - ૨૦૨૪ ના મોડેલની સ્કોર્પિયો કાર છે. ગત ૭ મી જાન્યુઆરીએ મારા કાકાના દીકરા બંટીએ મને જણાવ્યું હતું કે, ન્યુ વી.આઇ.પી. રોડ ગુરૃકુલ ચાર રસ્તા પાસે રહેતો મારો મિત્ર મોહિત બલવા ગાડીઓ ભાડેથી ફેરવવાનું કામ કરે છે.તેને બે દિવસ માટે ભાડે જોઇએ છે. બે દિવસના ભાડા પેટે ૧૦ હજાર રૃપિયા આપશે. મેં હા પાડતા મોહિત બલવા મારી કાર લઇ ગયો હતો. બે દિવસ પછી મેં મારા ભાઇ બંટી પાસે કાર તેમજ ભાડાના પૈસાની માગણી કરતા તેણે એવો જવાબ આપ્યો કે, મોહિત બલવાએ વધુ બે દિવસ માટે ગાડી માગી છે. ત્યારબાદ મોહિત બલવાએ ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. તેમજ ગાડી ક્યાં છે, તે પણ જણાવતો નહતો. મોહિતના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો નહતો. ગાડીમાં ફિટ કરેલી જીપીએસ મારફતે ગાડીનું છેલ્લું લોેકેશન રાજસ્થાનના પોકરણ ખાતેનું બતાવતું હતું. તેણે મારી ગાડી સગેવગે કરી દીધી છે.


