રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વચ્ચે ગઠિયાઓ પણ સક્રિય
બિકાનેર જતા રિફાઇનરીના ઓપરેટરની પત્નીએ ગીર્દીમાં સોનાના દાગીના મૂકેલ પર્સ ગુમાવ્યું

વડોદરા, તા.20 દિવાળીના તહેવારો દરમિયાન વતનમાં જવા માટે રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો છે. આવા સમયે કેટલાંક ગઠિયાઓ પણ સક્રિય થઇ ગયા છે. વડોદરાથી રાજસ્થાન વતનમાં જતા રિફાઇનરીના એક કર્મચારીની પત્નીનું સોના-ચાંદીના દાગીના મૂકેલું પર્સ એક મહિલા સહિતને બે ગઠિયા તફડાવી ગયા હતાં.
રાજસ્થાનના બિકાનેરના મૂળ વતની પરંતુ હાલ બાજવામાં વૃંદાવન ચોકડી પાસે ભાડાના મકાનમાં રહેતા ધીરજસિંહ દાયતપ્રભુદાસજી ચારણ ગુજરાત રિફાઇનરીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. દિવાળીના તહેવારો હોવાથી તેઓ પરિવારના સભ્યો સાથે રાજસ્થાન જવા માટે સાંજે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા હતાં અને બિકાનેર જવા માટે જનરલ ટિકિટ લઇને પ્લેટફોર્મ નંબર-૨ પર પહોંચ્યા હતાં.
યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવતાં જ ભીડ વધી ગઇ હતી અને કોચમાં જવા કે ઊભા રહેવાની પણ જગ્યા ન હતી જેથી તેઓ પત્ની કૌશલ્યાને લઇને રિઝર્વેશન કોચમાં ચડી ગયા હતાં. આ વખતે પણ ગીર્દી હોવાથી તે તકનો લાભ લઇને એક મહિલા તેમજ પુરુષે કૌશલ્યાની હેન્ડબેગમાં મૂકેલું બ્રાઉન કલરનું પર્સ કાઢી લીધું હતું. આ પર્સમાં સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃા.૮૬ હજારની મત્તા હતી. આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.