લગ્નની લાલચ આપી રૂપિયા પાંચ લાખની છેતરપિંડી
પેટલાદના પલાજ ગામનો પરિવાર છેતરાયો
મહારાષ્ટ્રની યુવતી સહિત ત્રણ અને ખંભાતના નગરા ગામના શખ્સ વિરૂદ્ધ ગુનો
આણંદ: પેટલાદના પલાજ ગામમાં લગ્નની લાલચ આપી રૂા. પાંચ લાખ લઈ લીધા બાદ દિકરા સાથે લગ્ન નહીં કરાવી ચાર શખ્સોએ છેતરપિંડી કરી હતી.
પેટલાદ તાલુકાના પલાજ ગામમાં નિવૃત્ત શિક્ષક રણછોડભાઈ પટેલ દિકરા મિરલ માટે કન્યા શોધતા હતા. ત્યારે જયંતીભાઈ ચીમનભાઈ પટેલ (રહે. નગરા ગામ, તા. ખંભાત)એ સ્વાતિબેન નરેન્દ્ર નિકોશે (રહે. ત્રીમૂર્તિનગર સાઈનગર, અમરાવતિ- મહારાષ્ટ્ર) સાથે સગાઈ અને લગ્નની લાલચ આપી હતી. ઉપરોક્ત બંને સહિત પરાગ વિજય બોરકર, માઘવી મનોજભાઈ પાટણવાડિયા (બંને રહે. અમરાવતિ- મહારાષ્ટ્ર) સહિત ચારે ભેગા મળી તા. ૨૯-૪-૨૦૨૫થી તા. ૧૯-૭-૨૦૨૫ દરમિયાન અલગ અલગ તારીખો દરમિયાન રૂા. ૫,૦૦,૫૦૦ લઈ લીધા હતા. બાદમાં ફરિયાદીના દિકરા મિરલ સાથે લગ્ન કે સગાઈ નહીં કરાવી કે રૂપિયા પણ પરત નહીં આપી છેતરપિંડી કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પેટલાદ શહેર પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.