છત્તીસગઢથી ૨૦ દિવસ પહેલાં ગુમ યુવાનનો મોબાઇલ વડોદરામાં મળ્યો
રેલવે સ્ટેશન પરથી પોલીસે મોબાઇલચોરને પકડયો હતો ઃ ગુમ યુવાનનો હજી પત્તો નથી
વડોદરા, તા.30 છત્તીસગઢથી ગુમ થયેલા પુત્રની શોધખોળ માટે માતાએ ફોન કરતા વડોદરા રેલવે પોલીસે ફોન ઉચક્યો હતો અને ફોન ચોરનાર ઝડપાયો છે તેમ જણાવ્યું હતું પરંતુ પુત્રનો કોઇ પત્તો લાગ્યો નથી.
આ અંગેની વિગત એવી છે કે છત્તીસગઢ રાજ્યના ચૌપા જિલ્લાના જાંજગીર ખાતે કરસવાનીમાં રહેતી મહેતરીન મંગલુરામ ખુટેનો પુત્ર ખુશીલાલ તા.૮ના રોજ ઘેરથી નીકળી ગયો હતો. ગુમ પુત્રની તેઓ શોધખોળ કરતા હતા અને તેને મોબાઇલ પણ લગાવતા હતા પરંતુ સંપર્ક થતો ન હતો. દરમિયાન તા.૨૭ના રોજ મેહતરીને ફરી પુત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો વડોદરા રેલવે પોલીસે મોબાઇલ રિસીવ કર્યો હતો અને મહેતરીનને જણાવેલ કે પિન્ટુ ભગવાનદાસ શર્મા (રહે.મહાવીરહોલની પાછળ, તેના કાકા બળદેવ શર્મા ચોળાફળીવાળાના મકાનમાં)ને ચોરીના ચાર મોબાઇલ સાથે ઝડપ્યો છે અને તેની પાસેથી આ ચોરીનો મોબાઇલ મળ્યો હતો.
પોલીસે પિન્ટુની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૪ પર ઉત્તર તરફના છેડા પાસે તા.૨૬ની રાત્રે બાકડા પર ઊંઘી ગયેલા એક યુવાનના પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કર્યો હતો. પોલીસે મોબાઇલ તો શોધી કાઢ્યો પરંતુ છેલ્લા ૨૨ દિવસથી લાપત્તા ખુશીલાલનો હજી પત્તો લાગ્યો નથી.