ચાર્ટર્ડ સ્પીડે ઇવી પરિવહનને વેગ આપવા ગિફ્ટ સિટી સાથે એમઓયુ કર્યા
- જોડાણનો ઉદ્દેશ ગિફ્ટ સિટીમાં પસંદગીના પરિવહન માધ્યમ તરીકે ઇવીને પ્રોત્સાહન આપવાનો છે
- એમઓયુનો ઉદ્દેશ ગિફ્ટ સિટીથી અને ગિફ્ટ સિટી સુધી અવરજવર કરવા માટે લોકોને સરકારી પરિવહન સુવિધા વધારવાનો છે
અમદાવાદ, 10 મે 2022,મંગળવાર
મોબિલિટી સર્વિસીસ પ્રોવાઇડર ચાર્ટર્ડ સ્પીડે ભારતના પ્રથમ સ્માર્ટ સિટી અને આઇએફએસસી – ગિફ્ટ સિટી સાથે શહેરમાં ગતિશીલ ઇલેક્ટ્રિકલ વ્હિકલ્સ (ઇવી) બનાવવા માટે સંયુક્તપણે કામ કરવા સમજૂતીકરાર (એમઓયુ) કર્યા છે. આ જોડાણનો ઉદ્દેશ ગિફ્ટ સિટીથી અને ગિફ્ટ સિટી સુધી અવરજવર કરવા માટે જાહેર પરિવહન સુવિધાઓ વધારવાનો તેમજ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ઇવી માળખાને પ્રોત્સાહન આપવાનો અને તેને મજબૂત કરવાનો છે.
આ એમઓયુના ભાગરૂપે ચાર્ટર્ડ સ્પીડ ઇન્ટ્રા અને ઇન્ટર-સિટી સ્તર માટે ઇવી મોબિલિટી પ્રદાન કરશે, જેમાં કંપની અમદાવાદ અને ગાંધીનગર સાથે ગિફ્ટ સિટીને જોડતી ઇલેક્ટ્રિક બસ સર્વિસી કાર્યરત કરશે તથા ગિફ્ટ સિટીમાં કામ કરતાં, રહેતાં અને મુલાકાત લેતાં લોકોની સુવિધા માટે ઇલેક્ટ્રિક બાઇક પ્રદાન કરશે. ચાર્ટર્ડ સ્પીડ કાફલાની રોજિંદી કામગીરીઓનું મેનેજમેન્ટ કરશે, જેમાં ડ્રાઇવરો, રુટ, ભાડું અને ભાડાની આવક, બસનું મેઇન્ટેનન્સ તથા સમગ્ર ગિફ્ટ સિટીમાં ચાર્જિંગ માળખાની સ્થાપના સામેલ છે.
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ કહ્યું હતું કે, “જેમ ગિફ્ટ સિટી દેશમાં સતત વિકાસ અને ઇનોવેશનમાં માપદંડો સ્થાપિત કરી રહ્યું છે, તેમ ચાર્ટર્ડ સ્પીડ સાથે જોડાણ ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સમાં નવા પ્રકરણની શરૂઆત કરશે. આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને થયું છે, જેમાં ઇવી અને હાઇબ્રિડ વાહનો લોકોની અવરજવરની રીતમાં આવશ્યક પરિવર્તન લાવશે. આ જોડાણ ગિફ્ટ સિટી સુધી અને ગિફ્ટ સિટીમાંથી અવરજવર માટેના વિકલ્પો પણ વધારશે.”
ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડના સીઇઓ અને ડિરેક્ટર સન્યમ ગાંધીએ કહ્યું હતું કે, “અમે ઇલેક્ટ્રિક બસો સ્વરૂપે ગિફ્ટ સિટીમાં કામ કરતા, રહેતા લોકોને ગિફ્ટ સિટીમાંથી અન્ય કોઈ જગ્યાએ કે અન્ય કોઈ જગ્યાએથી ગિફ્ટ સિટીમાં આવવા માટેની કનેક્ટિવિટી, સુવિધા અને સુલભતા આપવાની આ પહેલ હાથ ધરવા બદલ જોડાણ કરવાની ખુશી છે. અમને ખાતરી છે કે, આ ગિફ્ટની અંદર ઇવીની વૃદ્ધિ અને વ્યાપક સ્વીકાર્યતાને વેગ આપવાની સાથે આ વિસ્તારમાં ઇવી માળખાને વધારવા અને મજબૂત કરવાની પ્રક્રિયાને પણ વેગ આપશે.”