Gujarat

પોરબંદરમાં હિરલબા જાડેજા તથા તેના સાગરિતો વિરૂધ્ધ 57 દિવસમાં ચાર્જશીટ

By GS TEAM
27 Jun 20252 mins read
પોરબંદરમાં હિરલબા જાડેજા તથા તેના સાગરિતો વિરૂધ્ધ 57 દિવસમાં ચાર્જશીટ

ગંભીર પ્રકારના ગુનામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ : કુછડીના પરિવારના 3 સભ્યોને ગોંધી રાખી ખંડણીના ગુનામાં 10 ટીમોએ 22 પંચનામા કરી 3 રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી

પોરબંદર, : પોરબંદરના હિરલબા જાડેજાએ પોતાના સુરજપેલેસ બંગલામાં રૂપિયાની લેતીદેતી પ્રશ્ને કુછડી ગામના એકજ પરિવારના ત્રણ સભ્યોનું અપહરણ કરી ગોંધી રાખી ખંડણીના ગુન્હામાં પોલીસે ગંભીરતાથી કામ લઇને માત્ર 57 દિવસમાં જ તપાસના કામે અને ચાર્જશીટ સહિત કુલ મળી અંદાજે 2000 પાનાનું સાહિત્ય એકત્ર કરીને આગળની કાર્યવાહી કરી છે.

કુછડીની લીલુબેન નામની મહિલાએ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને રૂપિયાની લેતીદેતી પ્રશ્ન તેના પિતા, પુત્ર અને તેના પૂર્વ પતિને હિરલબા જાડેજા અને તેના સાગરીતોએ અપહરણ કરીને સૂરજ પેલેસ બંગલા ખાતે ગોંધી રાખ્યાના ગુન્હાએ ભારે ચકચાર મચાવી હતી. અને પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરીને હિરલબા જાડેજા સહિત બોખીરાની વ્રજવાટિકા સોસાયટીમાં રહેતા તેના બે સાગરીતો હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરા સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ મુજબના ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓ વિરૂધ્ધ ઉંડાણપૂર્વક તપાસ કરી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ પૂરતા પુરાવાઓ મેળવી દિવસ 57માં ચાર્જશીટ કરવામાં આવેલ છે.

જેમાં 71 સાહેદોને તપાસવામાં આવેલ. તપાસ દરમ્યાન 22 પંચનામા કરાયા હતાં. તપાસમાં 10 પોલીસ ટીમો જોડાઇ હતી તથા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ત્રણ રાજ્યોમાં તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન કાર-૧1 મોબાઇલ નંગ-5, લેપટોપ નંગ-3, દસ્તાવેજ ફાઇલ-3, ચેક-2, પ્રોમીસરી નોટ-4, પેન ડ્રાઇવ-3, દસ્તાવેજ લખાણ-1, કબજે કરાયા હતા તથા ઇલેકટ્રોનીક તથા અન્ય પુરાવાઓ એકત્ર કર્યા હતા.