TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા
27 જણાંનો ભોગ લેનાર કેસમાં એકાદ વર્ષ બાદ : સેશન્સ કોર્ટમાં આરોપીઓએ ગુનો નહીં કબૂલતાં હવે કેસ પુરાવા પર : આગામી મુદ્દત તા. 31મી જુલાઈએ
રાજકોટ, : રાજકોટમાં 27 જણાંનો ભોગ લેનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનાં રાજયભરમાં ગાઝેલા કેસમાં આખરે આજે સેશન્સ કોર્ટમાં 15 આરોપીઓ વિરૂધ્ધ ચાર્જફ્રેમ એટલે કે આરોપો ઘડાયા હતા. તે સાથે જ હવે આ કેસ પુરાવા પર આવ્યો છે. સેશન્સ કોર્ટે આગામી તા.૩૧ જુલાઈનાં રોજની મુદત મુકરર કરી છે. સમગ્ર ગુજરાતને હચમચાવનાર આ ગોઝારો અગ્નિકાંડ ગઈ તા. 25-5-2024 નાં રોજ સર્જાયો હતો. તપાસનાં અંતે પોલીસે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ વિરૂધ્ધ ગઈ તા.24-7-2024 ના રોજ ચિફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પોલીસે સાર્જશીટ ફાઈલ કર્યું હતું.
આ કેસમાં સાપરાધ મનુષ્યવધની આઈપીસી કલમ 304 લગાડવામાં આવી હતી. જે સેશન્સ ટ્રાયેબલ હોવાથી ચિફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે ચાર્જશીટ સેશન્સ કોર્ટ તરફ મોકલી આપ્યું હતું. જે બાદ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને બોલાવ્યા હતાં. જેમાંથી અમુક આરોપીઓએ વકીલ રોકવા માટે અરજી કરી હતી. જેમાં મુદ્દતો પડી હતી. ત્યાર પછી સાત આરોપીઓએ કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી આપી હતી. સુનવણીનાં અંતે સેશન્સ કોર્ટે આ અરજી નામંજુર કરી હતી.
આ સમગ્ર કાનૂની દાવપેચ બાદ આખરે આજે એડીશનલ સેશન્સ જજ ડી.એસ. સિંઘે તમામ 15 આરોપીઓ વિરૂધ્ધ ચાર્જ ફ્રેમ કર્યો હતો. આરોપીઓમાં ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નિતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મૂકેશ રામજીભાઈ મકવાણા, જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત આસમલ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ ઠેબા અને ઈલેશ વાલાભાઈ ખેરનો સમાવેશ થાય છે. સેશન્સ કોર્ટે આરોપીઓ સાથે તહોમતનામુ ફરમાવ્યું હતું. આરોપીઓએ ગુનો કબુલ નહીં કરતાં હવે આ કેસ આગળ ચાલશે, સેશન્સ કોર્ટે આ કેસમાં આગામી તા. 31મી જુલાઈની મુદ્દત મુકરર કરી છે. આ કેસમાં કુલ 15 આરોપીઓમાંથી 5નો જામીન પર છૂટકારો થયેલો છે. આ તમામ આરોપીઓને આજે સેશન્સ કોર્ટમાં હાજર રખાયા હતાં.