Get The App

રેમડેસિવિરમાં અંધાધૂંધી : નોંધાતા દર્દીઓ કરતાં ઈન્જક્શનની ખપત પાંચે'ક ગણી

- એન્ટી વાયરલ ડ્રગનું કાંઈ અથાણું થોડું થાય !

- સપ્લાય વધારી આપવામાં ટૂંકી પડતી સરકાર

Updated: Apr 4th, 2021

GS TEAM

Google News
Google News
રેમડેસિવિરમાં અંધાધૂંધી : નોંધાતા દર્દીઓ કરતાં ઈન્જક્શનની ખપત પાંચે'ક ગણી 1 - image

જથ્થો ગેરવલ્લે ન જાય એટલે કેમિસ્ટો પાસેથી દર બે કલાકના આંકડા લેવાનો નિયમ

રાજકોટ  : સરકારી આંકડા મુજબ તો રાજકોટ શહેર-જિલ્લામાં અઢી-સો ત્રણ-સો સહિત સૌરાષ્ટ્રભરમાં ચાર-પાંચ સો નવા કેસ આવે છે અને એક્ટિવ કેસ બે'ક હજાર જેવા ગણાવાય છે, પરંતુ રેમડેસિવિર ઈન્જક્શનની ડિમાન્ડ જે રીતે નીકળી છે એ સરકારી આંકડાની પોલ ઉઘાડી પાડનારી બની રહી છે. સરકાર આ એન્ટી વાયરલ ઈન્જક્શનનો પૂરતો જથ્થો પણ અપાવી શકતી ન હોવાથી નાહકની અરાજકતા જેવી સ્થિતિ થઈ રહી છે. 

રાજકોટમાં આ અગાઉના પીકપિર્યડ વખતે રેમડેસિવિરના કાળાબજાર થવા માંડયા હતા અને પોલીસ કેસ પણ થયા હતા. બાદમાં મેડિકલ સ્ટોર્સમાં એવા ઈન્જક્શન વેચવાની છૂટ મળી અને આજથી મહિના પહેલાં પણ સ્થિતિ એવી હતી કે ઉપાડ જ ન હોવાથી ટૂંકી એક્સ્પાયરી ડેઈટવાળા ઈન્જક્શન પડયા રહેતા. હવે ઓચિંતી જરૃરત વધી ગઈ તે દેખીતી રીતે જ એમ સૂચવે છે કે કેસો ખૂબ વધી ગયા છે, જ્યારે સરકાર જૂજ આંકડા જ જાહેર કરે છે પરંતુ એ સમજતી નથી કે કેસ ઓછા હોય તો લાઈફ સેવિંગ ડ્રગ્સની આટઆટલી ખપત કાંઈ અમથી જ ન થાય એ તો બાળક પણ સમજી શકે એવી વાત છે !

એક-એક દર્દીને ચારથી છ ઈન્જક્શનની જરૃર પડે તેની સામે હાલ દરેકને એક-બે અથવા ત્રણ ઈન્જક્શન આપીને અત્યાર પૂરતી સગવડ સાચવી લેવાય છે. દવાના દુકાનદારોના કહેવા મુજબ, જે પાંચે'ક કંપનીઓ આવા ઈન્જેક્શન બનાવે છે તે પૈકી એકની પ્રોડક્ટનો ભાવ રૃા.૮૯૯, એકા'દ-બેના રૃા.૧૭૦૦-૧૮૦૦ તો કોઈકના વળી રૃા.૫૪૦૦ છે પણ પાંચમાંથી બે કે ત્રણ કંપનીનો માલ જ રાજકોટ આવી રહ્યો છે. જેમાં આજે ફરી ગાબડું પડયું હતું. ભાવ માંડ કન્ટ્રોલમાં આવ્યા ત્યાં સપ્લાય ઘટી ગયો, ઉપરાંત વધુ પડતી કડકાઈને લીધે પણ મોટાભાગના રીટેઈલરો આ ઈન્જક્શન મંગાવતા જ નથી તેમ કહી એક વેપારીએ ઉમેર્યું કે ખરીદીના બિલ ઉપરાંત સ્ટોકની તો દર બે કલાકની વિગત સરકારી તંત્રને આપવી પડે છે. કોણ ઈન્જક્શન લઈ ગયું, કોના માટે, તેના સરનામા, સંપર્ક નંબર, આધારકાર્ડ તેમજ ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન રાખવા પડે છે. દર્દી અને તેના એકા'દ આપ્તજન પોઝિટીવ હોય એવા કિસ્સામાં અન્ય સગા-સંબંધી કે પડોશી ઈન્જક્શન ખરીદવા આવે ત્યારે આ નિયમને લીધે ભાંજગડ પણ વધી જાય છે અને ધક્કા પણ થાય છે.

જો કે કેટલાક વેપારીઓ તકનો ગેરલાભ ઉઠાવે એવું ભયસ્થાન પણ નકારી શકાતું નથી. ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગના રાજકોટના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર એસ. એસ. વ્યાસે જણાવ્યું કે, કેટલાંક લોકો પોતાને કે પરિવારજનને કોરોના થશે ત્યારે રેમડેસિવિર નહીં મળે તો ? એવા ડરે હાલ અમસ્તી જ સંગ્રહખોરી કરવા લાગ્યા છે ! આવા કારણસર નિયમો જરૃરી લેખાવતી સરકાર જો કે સપ્લાય વધારવા કંપનીઓને ફરજ પાડવામાં શંકાસ્પદ રીતે ટૂંકી પડે છે, અને જાહેર થતા આંકડા કરતા અંદાજે પાંચેક ગણી ઈન્જક્શનની ખપત પણ સરકાર કેસ છૂપાવતી હોવાની ચાડી ખાઈ રહ્યા છે.