વડોદરામાં નવરાત્રિ પર્વે ૧૫ કરોડના ચણિયા ચોળી અને ઝભ્ભા વેચાશે
વડોદરાઃ નવરાત્રિ પર્વના આડે એક સપ્તાહ બાકી રહ્યું છે.બીજી તરફ ગરબા પહેલા ચોમાસુ વિદાય લેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે.જેના કારણે હવે નવરાત્રિ પર્વની ખરીદી પણ શરુ થઈ છે.આજે રવિવારની રજા હોવાથી બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.એક અંદાજ પ્રમાણે વડોદરામાં આ વર્ષે ૧૨ થી ૧૫ કરોડ રુપિયાના ચણિયા ચોળી, ઝભ્ભા અને બીજી વસ્તુઓનું વેચાણ થશે.
ગત વર્ષે નવરાત્રિ પર્વ પહેલા જ વરસાદે ફટકાબાજી કરી હતી અને તેના કારણે ચણિયા ચોળીના માર્કેટને મોટો ફટકો પડયો હતો.જોકે આ વખતે વરસાદ નહીં પડે તેવી આગાહીએ પણ વેચાણમાં વધારો કર્યો છે.
આ વર્ષે પીકચર પ્રિન્ટ કર્યા હોય તેવા ચણિયા ચોળી, ખાલી બોર્ડર પર પ્રિન્ટ હોય અને બાકીનો હિસ્સો પ્લેન હોય તેવા ચણિયા ફેશનમાં છે.તેની સાથે સાથે કોન્ટ્રાસ્ટ કલરના ચણિયા- ચોળી અને ઓઢણીની પણ ડિમાન્ડ છે.સામાન્ય રીતે ૮૦૦ થી ૩૦૦૦ રુપિયાની રેન્જના ચણિયા ચોળીનું વેચાણ વધારે છે.તેની સાથે સાથે ગજી સિલ્કમાં ૧૦૦૦૦ રુપિયાથી માંડીને ૧૫૦૦૦ રુપિયાના ચણિયા ચોળી પણ બજારમાં ઉપલબ્ધ છે.ઝભ્ભામાં લખનવી ઝભ્ભાનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે, ખરી ઘરાકી આજે રવિવારની રજા હોવાથી શરુ થઈ છે.જો આગાહી પ્રમાણે વરસાદનું વિઘ્ન નહીં નડે તો આવતા રવિવાર સુધી બજારમાં તેજી જોવા મળશે.
મોટાભાગના ચણિયા ચોળી વડોદરામાં જ બને છે
વડોદરાની ચણિયા ચોળીની મોટાભાગની જરુરિયાત વડોદરામાંથી જ પૂરી થઈ જાય છે.બજારમાં મળતા મોટાભાગના ચણિયા ચોળી વડોદરામાં જ બને છે.આ વ્યવસાય ૨૦૦૦ કરતા વધારે લોકોને રોજગાર આપે છે.વડોદરામાં બનેલા ચણિયા ચોળી પૈકીના ૨૦ ટકા અમદાવાદ, રાજકોટ અને ગુજરાતના બીજા શહેરોમાં પણ વેચાણ માટે જાય છે.
ગયા વર્ષે પાંચ કરોડનો સ્ટોક પડી રહ્યા હતા
વેપારીઓનું કહેવું છે કે, ગત વર્ષે વરસાદે ચણિયા ચોળીની ઘરાકી બગાડી હતી.ગત વર્ષનો લગભગ પાંચેક કરોડ રુપિયાનો સ્ટોક વેપારીઓ પાસે પડયો છે અને તેનો નિકાલ કરવો પણ જરુરી છે એટલે આ વર્ષે મોટાભાગે ચણિયા ચોળીના ભાવમાં કોઈ ખાસ વધારો કર્યો નથી.પડેલા સ્ટોકનો નિકાલ થાય તે વેપારીઓની પ્રાથમિકતા છે.