મિત્રના એકાઉન્ટમાં રહેલા રૂપિયા બે લાખની લાલચમાં મિત્રોએ જ હત્યા કરી
ચાંગોદરમાં અજાણી વ્યક્તિના મોત ભેદ ઉકેલાયો
આરોપીઓએ હત્યા કરીને લાશ સળગાવીને ગુગલ પેે એટીએમ કાર્ડનો પીન નંબર મેળવીને નાણાં ઉપાડી લીધા
અમદાવાદ,શનિવાર
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર રેલ્વે ટ્રેક નજીક છ મહિના પહેલા એક સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે બાતમીના આધારે હત્યાનોે ભેદ ઉકેલીને હત્યા કેસમાં મૃતકના બે મિત્રોને ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના બેંક એકાઉન્ટમાં રહેલા બે લાખ રૂપિયા પડાવી લેવા માટે અપહરણ કરીને હત્યા કરી હતી. ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં રહેતો ૨૩ વર્ષીય વર્ષીય મોહિબુલ ઇસ્લામ નામનો યુવક ૧૭મી માર્ચના રોજ રહસ્યમય રીતે લાપત્તા થયો હતો. જે અંગે ચાંગોદર પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી. મોેહિબુલના લાપત્તા થયાના છ દિવસ બાદ પોલીસને તાજપુર ગામની સીમમાં રેલવે ટ્રેક પાસે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એ પી ચૌધરીને જાણવા મળ્યું હતું કે મોહિબુલ તેના જાણીતા બે મિત્રો સાથે જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે તેેના મિત્રો સંતાલાલ ગૌતમ અને રોહિતસિંગની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સંતાલાલ અને રોહિતને મોહિબુલના બેંક એકાઉન્ટમાં રહેલા બે લાખ રૂપિયા પડાવી લેવા માટેની ફિરાકમાં હતા. જેથી તેમણે મોહિબુલ મળવા માટે બોલાવીને ટીમ્બા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર લઇ ગયા હતા. જ્યાં દોરીથી તેનું ગળુ દબાવીને તેને મારી નાખવાની ધમકી આપીને ગુગલ પે અને એટીએમનો પીન ંનંબર મેળવી લીધો હતો અને તેની હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. આ અંગે ચાંગોદર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.