સરકારી વીજ કંપનીઓમાં આંતરિક બદલીઓના નિયમમાં ધરખમ ફેરફારો
વડોદરાઃ એમજીવીસીએલ સહિત રાજ્યની સરકારી તમામ સરકારી કંપનીઓમાં બદલીઓના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા તમામ વીજ કંપનીઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. સરકારી વીજ કંપનીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓને જો જગ્યા ખાલી પડે તો એક વીજ કંપનીમાંથી બીજી વીજ કંપનીમાં બદલીનો વિકલ્પ અપાતો હોય છે.જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, કર્મચારી કે અધિકારી પોતાના વતનમાં પરિવારની સાથે રહીને પણ ફરજ બજાવી શકે.દર વર્ષે વીજ કંપનીઓને બદલી માટે ૧૦૦ કરતા વધારે અરજી મળે છે.
અત્યાર સુધી અરજી કરનાર સરકારી વીજ કંપનીની કઈ ઓફિસમાં બદલી જોઈએ છે તેની પસંદગી કરી શકતા હતા.જોકે નવા નિયમ પ્રમાણે કર્મચારી બદલી માટે કોઈ પસંદગીની જગ્યા અરજીમાં નહીં દર્શાવી શકે.બદલી માટે ઈચ્છનીય જગ્યામાં કર્મચારી કે અધિકારી કોર્પોરેટ ઓફિસ કે સબડિવિઝન ઓફિસનો સમાવેશ પણ નહીં કરી શકે.કર્મચારીની અરજી બાદ જે તે વીજ કંપની જ કર્મચારીની બદલીની જગ્યા નક્કી કરશે.
પરિપત્રમાં જણાવાયું છે કે, મનગમતી જગ્યાએ બદલી એ કર્મચારીનો કે અધિકારીનો અબાધિત અધિકારી નથી.