ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો : વરસાદની સંભાવનાથી ખેડૂતોમાં ચિંતા
- અચાનક વાદળો ઘેરાવા સાથે ડમરી સાથે પવન ફૂંકાયો
- ખેતરમાં તૈયાર બાજરીનો પાક અને ખૂલ્લામાં પડેલી તમાકુ, ચીકોરીને નુકસાન થવાનો ભય
ખેડા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે મંગળવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો. એટલું જ નહીં સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેના કારણે ગરમીથી લોકોએ રાહત અનુભવી છે. બીજી બાજુ હાલમાં બાજરી તેમજ અન્ય પાક તૈયાર થવા આવ્યો છે. ઘણા ગામોમાં ખેડૂતોની ચીકોરી તેમજ તમાકુનો પાક હજુ વેચાયો નથી. કાળઝાળ ગરમી તેમજ મજૂરો શ્રમિકોની અછતના કારણે વેચાયેલો પાક ખુલ્લામાં પડી રહ્યો છે. જેના કારણે પડી રહેલ તમાકુ ચીકોરીના પાકનો સંગ્રહ કરવાની વિકટ સમસ્યા ઊભી થઈ છે. બાજરીનો પાક પણ તૈયાર થઈ ગયો છે. વરસાદના કારણે બાજરીના પાકને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. ત્યારે વાતાવરણમાં પલટાના લીધે ખેડૂતો અને વેપારીઓ ચિંતિત બન્યા છે.