Get The App

ગુજરાતમાં બ્લેક આઉટના સમયમાં ફેરફાર, જાણો કયા જિલ્લામાં કેટલા વાગ્યાનો સમય

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં બ્લેક આઉટના સમયમાં ફેરફાર, જાણો કયા જિલ્લામાં કેટલા વાગ્યાનો સમય 1 - image


Black Out Timing Change:  ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ભારતીય સેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના 18 જિલ્લાઓમાં 7 મેના રોજ સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે અને ત્યારબાદ બ્લેક આઉટ થશે. બ્લેક આઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજે 7.30 થી 9:00 વાગ્યા દરમિયાન ઝોન વાઇઝ બ્લેક આઉટ યોજાશે. 

ગુજરાતમાં બ્લેક આઉટના સમયમાં ફેરફાર, જાણો કયા જિલ્લામાં કેટલા વાગ્યાનો સમય 2 - image

પૂર્વ ગુજરાતના સાત જિલ્લા ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં 7.30 થી 8:00 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાશે. પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લા જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં 8:00 થી 8.30 સુધી બ્લેક આઉટ રહેશે. મધ્ય ગુજરાતના  6 જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં 8.30થી 9:00 વાગ્યા સુધી બ્લેક આઉટ રહેશે. 

સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ કરાશે. આ અંગે સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે.  મોક ડ્રીલ વખતે રાખવામાં આવતી તકેદારીની માહિતી આપવાની સાથે ગૃહરાજ્યમંત્રીએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ‘આ મોક ડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે, તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.’ 

મોક ડ્રીલ વખતે નાગરિકોએ કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન?

- ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતી લાંબી સાયરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકી અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.

- કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.

- આજે (7 મે) રાજ્યમાં સાંજે 7.30થી 9.00 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે, જે દરમિયાન ઘરો, ઑફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.

-  નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.

Tags :