ચંડોળાથી હટાવ્યાં તો અમદાવાદના જ લાંભાના ગણેશનગરમાં ગેરકાયદે વસાહત ઊભી થવાનો ડર!
Chandola Demolition | ચંડોળા તળાવ પાસે અમદાવાદનું સૌથી મોટુ ડિમોલિશન હાથ ધરવામાં આવતા ત્યાંથી ખાલીને લાંભા વોર્ડમાં આવેલા ગણેશનગરની સરકારી જમીન પર ગેરકાયદે સ્થાયી થઇ રહ્યા હોવાની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. જો કે હજુ સુધી સ્થાનિક કોર્પોેરેટર અને નારોલ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી આવતી ન હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી છે.
ચંડોળા તળાવમાં અમદાવાદના સૌથી મોટું દબાણ હટાવવામાં આવતા તે વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો મોટાપ્રમાણમાં હવે અમદાવાદના અન્ય સ્થળો પર ગેરકાયદે દબાણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં ચંડોળા તળાવથી માત્ર ત્રણ કિલોમીટર દુર આવેલા લાંભા વોર્ડના ગણેશનગરમાં છેલ્લાં બે દિવસથી મોટા પ્રમાણમાં કેટલાંક લોકો સામાન લઇને આવ્યા છે અને હજુપણ રાતના સમયે સામાન લઇને અનેક લોકો આવી રહ્યા છે.
આ અંગે લાંભાના પૂર્વ સરપંચ રમણભાઇ ભરવાડે જણાવ્યું કે ગણેશનગરમાં સરકારી જમીન પર મોટાપ્રમાણમાં દબાણ થયા છે અને પાંચ હજાર જેટલા ઝુપડા છે. ત્યારે ચંડોળા તળાવનો વિસ્તાર ખાલી થતા ગણેશનગરમાં દબાણ વધવાની શક્યતા છે.
આ અંગે સ્થાનિક કોર્પોરેટર જશોદાબેન અમીલાયાર, ડૉ. ચાંદની પટેલ, કાળુ ભરવાડ અને માનસિંગ સોલંકીને જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ આ વિસ્તાર નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલો છે. પરંતુ, નારોલ પોલીસે પણ તપાસ શરૂ કરી નથી.