Get The App

ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ 1 - image


Ahmedabad Crime News: અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને હાથફેરો થયાની ઘટના સામે આવી છે. અહીં ત્રણ અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવીને આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી. આ મામલે દુકાનના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

શોરૂમ માલિકે નોંધાવી ફરિયાદ

શો-રૂમ કૃણાલભાઈએ પોલીસને જણાવ્યું કે, ગત તારીખ 25મી નવેમ્બરના રોજ સાંજે આશરે 5 વાગ્યે આ ચોરીનો બનાવ બન્યો હતો. ત્રણેય મહિલાઓ ગ્રાહક બનીને દુકાનમાં આવી હતી અને સ્ટાફ પાસેથી ડ્રેસ બતાવડાવ્યા હતા. દુકાનના સ્ટાફ દ્વારા ડ્રેસ બતાવવામાં આવ્યા બાદ, આ મહિલાઓ વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. તેઓ ટ્રાયલ રૂમમાં જતી વખતે સ્ટાફની નજર ચૂકવીને એક જોડી ડ્રેસના બદલે બે જોડી ડ્રેસ લઈને જતી હતી. ટ્રાયલ લીધા બાદ, તેઓ એક ડ્રેસ પસંદ ન હોવાનું કહીને સ્ટાફને માત્ર એક જ જોડી પાછી આપતી હતી અને બીજી જોડી ચાલાકીપૂર્વક છુપાવીને પોતાની સાથે લઈ ગઈ હતી. કોઈપણ પ્રકારની ખરીદી કર્યા વગર આ મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી. જોકે, બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડી ઓછી જણાતા માલિકને શંકા ગઈ હતી.

CCTV ફૂટેજમાં થયો પર્દાફાશ

શંકાના આધારે કૃણાલભાઈ અને સ્ટાફે દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ફૂટેજ જોતા ચોરીની સમગ્ર હકીકત સામે આવી હતી. ત્રણેય મહિલાઓએ એકબીજાની મદદગારી કરીને પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ પાંચ જોડી ડ્રેસની કુલ કિંમત આશરે રૂપિયા 15,000 જેટલી છે. દુકાન માલિક કૃણાલભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણેય અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની કાયદેસર ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈને તેના આધારે આરોપી મહિલાઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

Tags :