Gujarat

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધાની ફરિયાદ

By GS TEAM
22 Mar 20262 mins read
સુભાષબ્રીજ પાસે આવેલા  વિવિધ એપાર્ટમેન્ટના  ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને  લાખો રૂપિયા પડાવી લીધાની ફરિયાદ

અમદાવાદ, રવિવાર

શહેરના ચાંદખેડામાં રહેતા અને બિલ્ડીંગ કન્ટ્ક્શનનું કામ કરતા બિલ્ડરે સુભાષબ્રીજ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ માટે કરાર કર્યો હતો. પરંતુ,  મહેશ્વરી એપાર્ટમેન્ટ અને એપાર્ટમેન્ટના ચેરમેન સેક્રેટરીએ પ્રોજેક્ટ અટકાવી દેવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોેંધીને કાર્યવાહી કરી છે.

ચાંદખેડા ન્યુ સીજી રોડ પર આવેલા આવકારા વિલા બંગ્લોઝમાં રહેતા તેજસભાઇ પટેલ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે.તેણે  જુલાઇ ૨૦૨૩માં સુભાષબ્રીજ પાસે આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ માટે એપાર્ટમેન્ટના ચેરમેન મદનલાલ જૈન, સેક્રેટરી સુભાષસીંગ ઠાકુર અને મહાપ્રકાશ એપાર્ટમેન્ટના ચેરમેન રમેશ મોદી અને સેક્રેટરી ભરત પ્રજાપતિ સાથે એમઓયુ કર્યા હતા.  જે દિવસે કરાર કર્યા તે દિવસે સાંજના સમયે  સજય પટેલ (રહે. જેડીઆર એપાર્ટમેન્ટ, નવા વાડજ), ભરત પ્રજાપતિ, રમેશ મોદી અને જે ડી શીખ (રહે.કદમ બંગ્લોઝ, ચાંદખેડા)  તેજસભાઇના ઘરે આવ્યા હતા અને તેમણે  કહ્યું હતું કે જો તમારે રીડેવલપમેન્ટનું કામ કરવુ હોય તો ૧૫ લાખ રૂપિયા આપવા પડશે. નહીતર પ્રોજેક્ટને રોકી દઇશુ. અગાઉ બિલ્ડરોના કામ અટકાવ્યા છે.

જેથી ડરીને તેમણે ૧૫ લાખ રૂપિયા આપ્યા હતા. બે મહિના બાદ ચારેય જણાએ પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને સતત ધમકી આપતા હતા. છેવટે તેજસભાઇએ ૩૬ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ, બાકીના ૧૫ લાખ ન મળતા રીડેવલપમેન્ટનો કરાર રદ કરાવી દીધો હતો. એટલુ જ નહી ચારેય જણાએ તેજસભાઇની કંપનીનો બનાવટી લેટરપેડ તૈયાર કરીને કંપનીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે આ અંગે  તેમણે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.