Gujarat

પોક્સોના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની માંગણી કરી

By GS TEAM
18 Jun 20252 mins read
પોક્સોના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની માંગણી કરી

અમદાવાદ,બુધવાર

જમાલપુર વિસ્તારમાં રહેતા અને કબડ્ડી કોચના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરીને તેને પોક્સોના કેસમાં ફસાવવાનું કહીને સરખેજમાં રહેતા ધર્મેશ પટેલ નામના વ્યક્તિએ પાંચ લાખની માંગણી કરી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ મથકે નોંધવામાં આવી છે.  જમાલપુરમાં  આવેલા મ્યુનિસિપલ  હેલ્થ ક્વાટર્સમાં રહેતા યશ વાઘેલા વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૪ સુધી પાલડી અંકુર સ્કૂલમાં વ્યાયામના શિક્ષક તરીકે નોકરી કરતા હતા. જો કે  કબડ્ડી કોચીંગના ક્લાસ હોવાથી તેમણે સપ્ટેમ્બર ૨૦૨૪માં નોકરી છોડી હતી.  ગત ૧૧મી એપ્રિલના રોજ યશના પિતા પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ સરખેજ પોલીસના કે ડી પટેલ તરીકે આપી હતી. 

તેણે કહ્યુ હતુ કે તમારો છોકરો યશ પાલડીની સ્કૂલમાં છોકરીના ફોટા પાડે છે અને છેડતી કરે છે. કાલે તેને અંકુર સ્કૂલ લઇ આવજો. જો કે યશ વાઘેલા પર ખોટા આક્ષેપ હોવાથી તે તમના પિતા સાથે અંકૂર સ્કૂલ ગયો ત્યારે ધર્મેશ પટેલ નામનો વ્યક્તિ એક સગીરાની માતા સાથે હાજર હતો. તેણે છેડતીનો આરોપ મુકતા સ્કૂલના ટ્સ્ટીઓ સમક્ષ યશ વાઘેલા પોતાનો વાંક ન હોવા છતાંય,  માફી માંગી હતી. યશનો માફી માંગતો વિડીયો ધર્મેશ પટેલે રેકોર્ડ કરી લીધો હતો. જે વિડીયો ધર્મેશ પટેલે ઇન્સ્ટાગ્રામ પર મુકીને યશ વાઘેલાને બદનામ કર્યો હતો. ગત ૧૨મી એપ્રિલના રોજ યશ વાઘેલા મોટેરામાં કબડ્ડીનું કોચીંગ આપી રહ્યા હતા ત્યારે ધર્મેશ પટેલ ત્યાં આવ્યો હતો અને  તેણે ધમકી આપી હતી કે જો તુ પાંચ લાખ રૂપિયા નહી આપે તો તારા વિરૂદ્ધ પોક્સોનો કેસ કરી દઇશ. ત્યારબાદ ૨૨મી એપ્રિલે યશ વિરૂદ્ધ પોક્સોની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જે કેસમાં તેની ધરપકડ થતા ૯મી મેના રોજ જામીન મળ્યા હતા.  આ બાબતે નેશનલ કમિશન ફોર શેડયુલ કાસ્ટમાં યશ વાઘેલાએ પુરાવા સાથે રજૂઆત કરી હતી. જેના આધારે ચાંદખેડા પોલીસે ધર્મેશ પટેલ વિરૂદ્ધ ખંડણીનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.