Get The App

આઇપીએલની ફાઇનલની ભીડમાં ૧૦૦થી વધુ મોબાઇલ ફોન ચોરાયા

પ્રેક્ષક બનીને મોબાઇલ ચોરતો યુવક ઝડપાયો

ટિકિટ વિના સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી ગયેલા ૨૦૦થી વધુ લોકોને પોલીસે ઝડપીને કાર્યવાહી કરી

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
આઇપીએલની ફાઇનલની ભીડમાં  ૧૦૦થી વધુ મોબાઇલ ફોન ચોરાયા 1 - image

અમદાવાદ,બુધવાર

આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન ભીડનો લાભ લઇને મોબાઇલ ચોરી કરવા માટે કેટલાંક લોકો પ્રેક્ષક તરીકે આવ્યા હતા અને ૧૦૦થી વધુ મોબાઇલ ફોન ચોરી થયા હતા. જ્યારે મહારાષ્ટ્રના થાણેથી પ્રેક્ષક તરીકે આવેલા યુવકને ચોરીના પાંચ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત, ચાંદખેડા પોલીસે ટિકિટ વીના સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી ગયેલા ૨૦૦ જેટલા લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.


આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન ખુબ મોટાપ્રમાણમાં પ્રેક્ષકો આવ્યા હોવાથી ભીડનો લાભ લઇને મોબાઇલ ચોરી કરવા માટે કેટલાક લોકો સક્રિય થયા હતા. જેના કારણે ૧૦૦થી વધુ મોેબાઇલ ફોન ચોરી થયા સામે આવ્યું છે. આ ઉપરાંત, ભીડમાં અનેક લોકોના મોબાઇલ ફોન  પડી ગયા હતા .જે અંગે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ ફાઇનલ મેચ જોવા માટે ભીડની સાથે અનેક લોકો ટિકિટ વિના સ્ટેડિયમમાં આવી ગયાની વિગતો ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડ અને ચાંદખેડા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસની અલગ અલગ ટીમ બનાવીને ટિકિટ વિના સ્ટેડિયમમાં ઘુસી ગયેલા ૨૦૦થી વધુ લોકોની અટકાયત કરીને તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.  પોલીસે સ્ટેડિયમની બહાર અને અંદર કેટલાંક શકમંદો પર વોચ ગોઠવી હતી. જેમાં મહારાષ્ટ્રના થાણેથી આવેલો કેતન પવાર ચોરીના પાંચ મોબાઇલ ફોન સાથે ઝડપાયો હતો. તે  ભીડમાં મોબાઇલ ચોરી કરવા માટે ખાસ અમદાવાદ આવ્યો હતો. આ ઉપરાંત, સરદારનગર આંબાવાડીમાં રહેતો કપિલ મુલચંદાની નામના યુવકને ચોરીના મોબાઇલ સાથે ઝડપી લેવાયો હતો. તેમજ એક વ્યક્તિનો મોબાઇલ ફોન આંચકીને નાસી જનાર રાહુલ પટણી ( કલોલ , ગાંધીનગર)ની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Tags :