યુવતીનો આત્મહત્યાનો વિડીયો બહાર આવ્યોઃ ૧૪માં માળેથી કુદતા ડરતી હતી
જગતપુરમાં યુવતીના આત્મહત્યા મામલે નવો વળાંક
વિડીયોમાં બીજા માળેથી કુદે તો નહી મરે તેવુ પણ વિડીયોમાં બોલે છેઃ યુવતીની આત્મહત્યા સમય ટેરેસ પર કોઇ સાથે હોવાની શક્યતાને આધારે તપાસ શરૂ
અમદાવાદ,રવિવાર
શહેરના જગતપુરમાં આવેલા સનરાઇઝીંગ હોમ્સ નામના એપાર્ટમેન્ટના ૧૪માં માળેથી કુદીને યુવતીએ આત્મહત્યા કરવાના મામલે નવો વળાંક આવ્યો છે. પોલીસને યુવતીના આત્મહત્યા પહેલાનો એક વિડીયો મળ્યો છે. જેમાં તે એપાર્ટમેન્ટના ૧૪માં માળેથી કોઇ સાથે વાત કરતા કહે છે કે ૧૪મા માળેથી કુદતા ડર લાગે છે અને નીચે પડુ હાડકા પણ નહી મળે, બીજા માળેથી કુદી જઇશ. જેથી બચી જઇશ. આ વિડીયોમાં તેની કોઇ વ્યક્તિ હોવાની શક્યતા છે. જેથી પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ કેસમાં હાર્દિક રબારીની પણ શોધખોળ ચાલુ છે. શહેરના જગતપુર આવેલા સનરાઇઝીંગ હોમ્સ નામના એપાર્ટમેન્ટમાં શુક્રવારે વહેલી સવારે મુસ્કાન ચૌહાણ નામની ૨૧ વર્ષીય યુવતીએ તેના પ્રેમી સાથેની અંગત પળનો વિડીયો વાયરલ થવાના ડરથી ૧૪મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તેના પ્રેમી મોહિત મકવાણાની ધરપકડ કરીને તેના મિત્ર હાર્દિક રબારીની પણ શોધખોળ શરૂ કરી હતી.
બીજી તરફ પોલીસને પણ તપાસ કરતા વધુ એક વિડીયો મળ્યો છે. જે વિડીયો મુસ્કાનની આત્મહત્યા પહેલાનો હોવાની શક્યતા છે. આ વિડીયોમાં યુવતી સાથે અન્ય વ્યક્તિ હોવાની શક્યતા છે. જેથી પોલીસે આ કેસમાં વિડીયો અંગે તેમજ તેની સાથે કોણ હતુ ? તે અંગે તપાસ શરૂ કરી છે.
આ વિડીયોમાં યુવતી એપાર્ટમેન્ટના ૧૪માં માળેથી નીચે જોઇને ડરે છે અને કહે છે કે ૧૪માં માળેથી નીચે પડે તો હાડકા પણ નહી મળે , અંતિમ સંસ્કાર માટે કંઇ નહી મળે. એટલે હુ તો બીજા માળેથી કુદીશ જેથી બચી જઇશ. આમ આ વિડીયોમાં તે કોઇ સાથે કુદવાની વાત કરી કરે છે. ત્યારે આ કેસની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ સોલા પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે ઘટનાની આગળની રાત્રીએ સાડા બાર વાગ્યાના સુમારે મુસ્કાને એસ જી હાઇવે જેગુઆર કારના શો રૂમ પાસેથી કંટ્રોલ મેસેજ કરતા સોલા પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. જો કે આ સમયે મોહિતે પોલીસથી ડરી જઇને તેના મોબાઇલમાં વિડીયો ડીલીટ કરવાની સાથે ખાતરી આપી હતી કે તે હાર્દિક રબારીના મોબાઇલમાંથી પણ વિડીયો ડીલીટ કરાવી દેશે. મુસ્કાને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હોવાથી તે તેની બહેનપણી અને તેની બહેનપણીના પતિ, મોહિત અને અન્ય મિત્રો સાથે સોલા પોલીસ સ્ટેશન ખાતે ગઇ હતી. જ્યાં પોલીસે મોહિત અને હાર્દિકના મોબાઇલમાં વિડીયો અંગે ફરિયાદ દાખલ કરવા માટે તેને કહ્યુ હતું. પણ મોહિતે વિડીયો ડીલીટ કરી દીધો હોવાથી તેણે ફરિયાદ કરવાની ના કહી હતી. જો કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ અંગે મુસ્કાન, તેની બહેનપણી અને તેના પતિ પાસે લખાણ પણ લીધુ હતુ. ત્યારે સવાલ એ થાય છે કે મુસ્કાનને વિડીયો ડીલીટ કરાવી દીધો હતો અને હાર્દિક પણ વિડીયો ડીલીટ કરી દેશે તેવી ખાતરી મોહિત પાસે લીધી હતી. તેમ છતાંય, સવાર સુધીમા ંએવુ શું બન્યુ ? કે મુસ્કાને ૧૪માં માળેથી કુદીને આત્મહત્યા કરી? સાથેસાથે તેના આત્મહત્યા પહેલાના વિડીયોમાં તે એવું કેમ બોલે છે કે તે બીજા માળેથી કુદશે તો બચી જશે? આ સમયે તેની સાથે કોણ હતું? આમ આ કેસમાં હવે નવા વળાંક આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.