ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chandkheda Dosa Case Update: ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોત નિપજાવનાર 'ઢોંસાકાંડ'માં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતમાં જે ઘટના ફૂડ પોઈઝનિંગ લાગતી હતી, તે હવે ઘરના જ કોઈ સભ્ય દ્વારા કરાયેલું કૃત્ય હોવાની આશંકા પ્રબળ બની છે. ચાંદખેડા PI જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર, પોલીસ હવે સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
માતાની હાલત કેવી છે?
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી માતા ભાવનાબેનના લીવરમાં સોજો હોવાનું સામે આવ્યું છે. તેમની સ્થિતિ સુધર્યા બાદ પોલીસ કડક પૂછપરછ કરશે.

પિતાનું રટણ
પિતા હજુ પણ 'ખીરું' ખાવાથી જ તબિયત બગડી હોવાનું કહી રહ્યા છે, પરંતુ પોલીસને આ વાત ગળે ઉતરતી નથી. આર્થિક સ્થિતિ નબળી હોવી અને તેની યુટ્યુબર કે મોડલ બનવાની ઈચ્છા પણ તપાસનો વિષય છે.
પૂછપરછમાં સત્ય ન બહાર આવે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાશે
જો પરિવારની પૂછપરછમાં સત્ય બહાર ન આવે તો પોલીસ કોર્ટની મંજૂરી લઈને પરિવારના ચાર સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવી શકે છે. જેથી સત્ય બહાર આવી શકે.
ગુનો કન્ફર્મ ન થાય ત્યાં સુધી કોઈને જેલમાં રાખી ન શકાય; પોલીસ
ચાંદખેડાના PI જયેશ મકવાણાએ જણાવ્યું છે કે, અમે અત્યારે પિતા અને દાદાને આરોપી માનીને ચાલી શકીએ નહીં, કારણ કે જ્યાં સુધી ગુનો કન્ફર્મ ના થાય ત્યાં સુધી કોઈને જેલમાં રાખી શકાય નહીં. અત્યારે ચાર લોકો શંકાના દાયરામાં છે, પણ એવું બની શકે કે ભવિષ્યમાં તપાસમાં એવું નીકળે કે આમાંથી કોઈ એક જ સંડોવાયેલું હોય અથવા પતિ-પત્ની બંનેએ મળીને આ કર્યું હોય, એટલે અમે બધી જ સંભાવનાઓ તપાસી રહ્યા છીએ. માતા અને પિતા બંનેના બ્લડ સેમ્પલમાં જે તત્વો મળ્યા છે તે એકસરખા જ છે, બસ કોણે કેટલું ખાધું એ મુજબ તેની માત્રામાં થોડો તફાવત છે. ચાર વર્ષની બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા હજુ વાર લાગશે કારણ કે તે લાંબી પ્રક્રિયા છે.
પોલીસે જણાવ્યું છે કે હવે આગામી સમયમાં જો પૂછપરછમાં સત્ય બહાર ન આવે તો કોર્ટની મંજૂરી લઈને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે.
દીકરાની અપેક્ષા અંગે પોલીસનું નિવેદન
પરિવારને દીકરાની અપેક્ષા હતી તે અંગે પોલીસે કહ્યું છે કે, આ એક સામાન્ય બાબત છે અને તેના આધારે સીધો આક્ષેપ ના કરી શકાય કે એટલે જ આ બન્યું હશે. જોકે, તપાસમાં એવું આવ્યું છે કે વિમલની આર્થિક સ્થિતિ નબળી હતી; તેના બીજા ભાઈઓ ઓસ્ટ્રેલિયામાં સારું કમાય છે, જ્યારે વિમલને યુટ્યુબર કે મોડલ બનવું હતું પણ એમાં તેને સફળતા મળી નહોતી. અમે CDR (કોલ ડિટેઈલ) અને WhatsApp પણ ચેક કર્યા છે, પણ તેમાં સગા-સંબંધીઓ સાથેની સામાન્ય વાતો સિવાય કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
શું હતી સમગ્ર ઘટના?
ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકીઓના પિતા વિમલ અને માતા ભાવનાબેન હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.









