સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ૮ મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ
દોઢ મહિનામાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા ૨૬ બાળકો સારવાર માટે સયાજીમાં દાખલ થયા : ૧૭ ના મોત
વડોદરા,સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં સારવાર લેતા મધ્યપ્રદેશના ૮ મહિનાના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં આ બાળક સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનામાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા કુલ ૨૬ બાળકો સારવાર માટે દાખલ થયા છે.
સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ મહિનાથી શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકો સારવાર માટે આવી રહ્યા છે. જે પૈકી મોટાભાગના બાળકો પંચમહાલ વિસ્તારના છે. આ ઉપરાંત વડોદરા શહેર જિલ્લા અને મધ્યપ્રદેશમાંથી પણ બાળકો સારવાર માટે આવ્યા હતા. આ તમામ બાળકોના બ્લડ સેમ્પલ ચકાસણી માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. વડોદરાની ૪ વર્ષની બાળકી અને સંતરામપુરના બે વર્ષના બાળકના રિપોર્ટ આવ્યા પહેલા જ મોત થયા હતા. અત્યારસુધી ઝાડા ઉલટી, તીવ્ર તાવ અને માથાના દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે આવેલા ૨૬ બાળકો પૈકી ૧૭ બાળકોના મોત થયા છે. જ્યારે ૭ બાળકોની તબિયત સુધરતા તેઓને રજા આપી દેવામાં આવી છે. હાલમાં બે બાળકો સારવાર લઇ રહ્યા છે. એક મહિના પહેલા મધ્યપ્રદેશનું ૮ મહિનાનું બાળક પણ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યું હતું. જેનો ચાંદીપુરાનો રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો છે. આ બાળક હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા એક સપ્તાહથી એકપણ બાળક સારવાર માટે આવ્યું નથી.