સુરત તા.8 ફેબુ્રઆરી 2020 શનિવાર
ભાટીયા ટોલનાકા ઉપર સુરત અને બારડોલીના વાહનચાલકો પાસેથી વસુલાતા ટોલટેકસને સંપૂર્ણપણે નાબૂદ કરવા અથવા તો ખૂબ જ નજીવા દરે વસૂલવામાં આવે તે માટે ચેમ્બર સંબંધિત વિભાગને યોગ્ય રજૂઆત કરશે. પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું છે કે, સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયક કેટલાક આગેવાનો સાથે તા. 8મીના રોજ ચેમ્બર ઓફ કોમર્સની ઓફીસે ભાટીયા ટોલનાકા સંદર્ભેની રજૂઆત લઇને આવ્યા હતા. ટોલટેકસને નાબૂદ કરવા માટે ચેમ્બર રજૂઆત કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. આથી આ અંગે સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.
જો ટોલટેકસ સંપૂર્ણપણે નાબૂદ નહીં કરવામાં આવે તો નજીવા દરે ટોલટેકસ વસૂલવા માટે કેશ માટેની બે જુદીજુદી લાઇનની વ્યવસ્થા કરવા માટે ચેમ્બર રજૂઆત કરશે, તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. પરંતુ આ અંગેના આંદોલનને ચેમ્બરે પોતાનો ટેકો જાહેર કર્યો ન હતો. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને પડતી મુશ્કેલીને નિવારવા માટે ચેમ્બર દ્વારા હંમેશા વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ ચેમ્બર કયારેય કોઇ આંદોલનમાં જોડાતુ નથી.

