સુરત-બારડોલી,તા.18 ફેબુ્આરી,2020, મંગળવાર
બારડોલીના
સ્વરાજ આશ્રમ ખાતે આજે મળેલી ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિની બેઠકમાં જયાં સુધી
ભાટીયા ટોલનાકા પરથી સ્થાનિકોને સંપૂર્ણ ટોલટેકસમાંથી મુકિત નહીં મળે ત્યાં સુધી
અડીખમ રહીને લડત ચલાવવાનો હુંકાર કરાયો હતો. અહિંસક આંદોલન બાદ કોઇ ઉકેલ નહીં આવે
તો માર્ચ મહિનામાં ભાટીયા ટોલનાકા ખાતે ચક્કાજામ કાર્યક્રમની ચીમકી આપી હતી.
ભાટીયા ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેકસમાંથી સંપૂર્ણ મુકિત મળે તે માટે બારડોલી તાલુકાની 80 થી 90 ટકા ગ્રામ પંચાયતોએ લડતમાં ટેકો જાહેર કર્યો છે. માંડવી તાલુકાની 25 ગ્રામ પંચાયતોએ લેખિતમાં ટેકો આપ્યો છે. દરમ્યાન આજે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સંઘર્ષ સમિતિની બેઠકમાં મહુવા, બારડોલી અને માંડવીના સહકારી, સામાજિક આગેવાનો હાજર રહયાં હતા. આ બેઠકમાં બારડોલી તાલુકા લેઉવા પટેલ સમાજના પ્રમુખ મુકેશ પટેલ લડતને ટેકો આપી જણાવ્યું કે, ગાંધીચીંધ્યા માર્ગે ચાલતી લડતને શાંતિપ્રિય રીતે મુકામ સુધી પહોંચાડવી આપણી જવાબદારી છે.
કીકવાડા ના સરપંચ હસુભાઇ પટેલે કહયુ હતુ કે, નાગરિકોએ પક્ષાપક્ષીથી દુર રહી લડતમાં જોડાવું જોઇએ. સંઘર્ષ સમિતિના સભ્ય મોહન ભાટીયાએ જણાવ્યુ હતુ કે સ્થાનિક લોકોને ભાટીયા ટોલનાકા પરથી સંપૂર્ણ ટોલ ટેકસ મુકિત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. બારડોલીના સહકારી આગેવાન જયંતિભાઇ પટેલે લડતને સો ટકા સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટોલમુક્તિ અંગે જાહેરાત નહી કરાય તો આગામી માર્ચ માસમાં ભાટીયા ટોલપ્લાઝા ખાતે ચક્કાજામ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ટોલમુક્તિ માટે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીને લેખિતમાં રજૂઆત
ભાટીયા ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ ટેકસમાંથી સંપૂર્ણ મુકિત માટે જે લડત ચલાવાઇ રહી છે. તે લડત છેક દિલ્હી સુધી પહોંચી ગઇ છે. આજે ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિના પ્રકાશ કોન્ટ્રાકટર સહિતના સભ્યોએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રૃબરૃમાં જઇને લેખિતમાં રજુઆત કરી હતી કે, આગામી માર્ચ મહિનામાં ભાટીયા ટોલનાકાને લઇને સરકારમાં રીવ્યુ થવાનો છે ત્યારે અહીના લોકોની માંગણી ધ્યાને લઇ સ્થાનિક વાહનચાલકોને ટોલટેક્સમાંથી સંપુર્ણ મુક્તિ મળવી જોઇએ.

