Gujarat

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ

By GS TEAM
19 Mar 20261 min read
જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ

- શ્રી યંત્રની પુજા, ઓખા હરણનું વાંચન અને અનુષ્ઠાન થશે

- આદ્યશકિતની ઉપાસનાના ધર્મોત્સવ દરમિયાન માઈભકતો માતાજીની ભકિતમાં મગ્ન બનશે

ભાવનગર : ર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલ તા.૧૯ થી ગોહિલવાડમાં શકિતની ઉપાસનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાશે. આ પ્રસંગે માઈમંદિરોમાં ધર્મકાર્યોનો ધમધમાટ વધશે અને માઈભકતો માતાજીની ભકિતમાં લીન બનશે.

ભાવનગર જિલ્લામાં આવતીકાલે ચૈત્ર સુદ એકમથી નોમ સુધી માઈભકતો દ્વારા મા નવદુર્ગાની ઉપાસના કરાશે. શકિતની સાધના અને ઉપાસનાના સૌથી મોટા ગણાતા પાવનકારી તહેવાર ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો આવતીકાલે ગુરૂવારથી શુભારંભ થશે અને આગામી નોમ રામનવમીના મહાપર્વે તેનું સમાપન થશે. ચૈત્રી નવરાત્રિના પ્રારંભે સ્થાનિક માઈમંદિરોમાં શાસ્ત્રોકત રીતે ઘટ સ્થાપન કરીને અખંડ દિપ પ્રજવલિત કરાશે.મા નવદુર્ગાની ઉપાસનાના ચૈત્રી નવરાત્રિના વ્રત કરનાર નવેય દિવસ ઉપવાસ વ્રત રાખીને દરરોજ ઘટ સ્વરૂપ માતાજી,શ્રીયંત્રના અને દુર્ગા સપ્તશતીના પાઠ અને ઓખા હરણનું વાંચન કરાશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માઈમંદિરોમાં અને શ્રધ્ધાળુઓ દ્વારા ઘરમંદિરમાં અથવા કુળદેવી માતાજીના મંદિરોમાં યજ્ઞા, હવન આદિ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.