Get The App

'સરકાર એમની છે, પુરાવા હોય તો અમને જેલમાં નાખી દે...' કુંવરજી હળપતિના આક્ષેપ સામે ચૈતર વસાવાની પ્રતિક્રિયા

Updated: Apr 4th, 2025

GS TEAM

Google News
Google News
Chaitar Vasava and Kunvarji Halpati

Chaitar Vasava On Kunvarji Halpati : ગુજરાતમાં તાપીના સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પર ગંભીર આરોપ કરતાં ટિપ્પણી કરી હતી. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, 'કુંવરજીભાઈને સંસદીય ભાષા શું હોય તેનું ભાન નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં તેમની સરકાર છે. જો અમે કોઈના પાસેથી 2 ટકા લીધા હોય તો અને તેમની પાસે પુરાવા હોય તો કારદેસરની કાર્યવાહી કરીને અમને જેલમાં નાખી દે.'

ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા 

વસાવાએ કહ્યું હતું કે, 'આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસ સમાજ શિક્ષણ, રસ્તા, પાણી સહિત માટે આંદોલનો કરે... કુંવરજીભાઈ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી આપે, શિક્ષકોની ભરતી કરે, આદિવાસી વિદ્યાર્થીની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરી એ શરુ કરે. કુંવરજીભાઈના વિસ્તારમાં માંડવી ટ્રાયબલ સબ પ્લાન અને સોનગઢ ટ્રાયબલ સબ પ્લાન સહિત જેટલી પણ ટ્રાયબલ સબ પ્લાન છે તેમાં આદિ આદર્શ ગ્રામની ગ્રાન્ટ અને ગુજરાત કેડરની ગ્રાન્ટની તપાસ કરાવશો તો કુંવરજીભાઈએ જે નવસારીની એજન્સીઓને કામ સોંપ્યા છે તેનું આખું કૌભાંડ બહાર આવશે. છેલ્લા પાંચ વર્ષમાં 2000-2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવશે. કુંવરજીભાઈએ અમારા પર જે આક્ષેપ કર્યા છે એ પાયાવિહોણા છે.'

આ પણ વાંચો: 'તમારું મોઢું જોવાનો શોખ નથી, આંગળી નીચે મૂકો': નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી

'ચૈતર વસાવા ચીટર છે...'

કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, 'વિકાસના કામોને લઈને બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે. પંચાયતની ગ્રાન્ટમાં ચૈતર વસાવા 2 ટકા અને અનંત પટેલ 10 માગે છે. ચૈતર વસાવા ચીટર છે.'