Gujarat

'અરવલ્લી' મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને, ખેડબ્રહ્મામાં મહા સંમેલન, દિલ્હી સુધી કૂચની ચીમકી

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે 'અરવલ્લી બચાવો' અભિયાન અંતર્ગત યોજાયેલી વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે. આ સભામાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ, ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકાર ખનીજ માફિયાઓના દબાણમાં આવીને અરવલ્લી પર્વતમાળાની ભૌગોલિક વ્યાખ્યા બદલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અરવલ્લી' મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને, ખેડબ્રહ્મામાં મહા સંમેલન, દિલ્હી સુધી કૂચની ચીમકી

Save Aravalli Protest : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે 'અરવલ્લી બચાવો' અભિયાન અંતર્ગત યોજાયેલી વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે. આ સભામાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ, ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકાર ખનીજ માફિયાઓના દબાણમાં આવીને અરવલ્લી પર્વતમાળાની ભૌગોલિક વ્યાખ્યા બદલી રહી છે.

'ખનીજ માફિયાઓ માટે રેડ કાર્પેટ'

ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, 20 નવેમ્બર 2025ના રોજ થયેલી એક કાનૂની પ્રક્રિયાના સંદર્ભમાં અરવલ્લીની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. નવા નિયમો મુજબ, જે પહાડોની ઊંચાઈ 100 મીટરથી ઓછી હશે તેને અરવલ્લીનો ભાગ ગણવામાં આવશે નહીં અને તેને વન રક્ષણ પણ મળશે નહીં. સરકારના આ નિર્ણયથી ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ (રેડ કાર્પેટ) બિછાવી દેવામાં આવી છે અને તેમને ખુલ્લેઆમ ખનન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

પર્યાવરણ અને જળસંકટની ભીતિ 

સભાને સંબોધતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરો નથી પરંતુ પર્યાવરણના સંતુલનનો મુખ્ય આધાર છે. જો આ પહાડો તૂટશે તો નદીઓ સુકાઈ જશે અને ભવિષ્યમાં ગંભીર જળસંકટ ઊભું થશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વિકાસના નામે અમે એક પણ ઈંચ જમીન આપવા તૈયાર નથી. જળ, જંગલ અને જમીનનો વિનાશ કરીને થતો વિકાસ અમને મંજૂર નથી.

ગાંધીનગરથી દિલ્હી સુધી આંદોલનની તૈયારી 

સરકારને સીધી ચીમકી આપતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જો અરવલ્લીને બચાવવા માટે જરૂર પડશે તો અમે ગાંધીનગર કૂચ કરીશું. એટલું જ નહીં, રાજસ્થાન અને હરિયાણાના લોકો સાથે મળીને દિલ્હી સુધી લડત લડવા માટે પણ અમે તૈયાર છીએ. તેમણે પીએમના 'એક પેડ માં કે નામ' અભિયાનની ટીકા કરતા કહ્યું હતું કે, એક તરફ વૃક્ષો વાવવાની વાતો થાય છે અને બીજી તરફ હસદેવ અને અન્ય જંગલો ઉદ્યોગપતિઓને લૂંટવા માટે આપી દેવામાં આવે છે.