AAP ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલમાંથી બહાર આવ્યા, વિધાનસભા સત્રમાં હાજરી આપશે
MLA Chaitar Vasava Bail : દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા. કોર્ટે ચૈતર વસાવાને વિધાનસભામાં હાજર રહેવા માટે 3 દિવસના શરતી જામીન મંજૂર કરતાં તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા છે. આજથી શરૂ થતાં વિધાનસભાના ચોમાસું સત્રમાં પોલીસ જાપ્તા સાથે હાજરી આપશે.
ચૈતર વસાવાના ત્રણ દિવસના જામીન મંજૂર
મળતી માહિતી મુજબ, છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ ચૈતર વસાવાના કોર્ટે આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે. આ ત્રણ દિવસ બાદ તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. જોકે, તેવામાં ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં હાજરી આપશે.
શું છે સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.