Get The App

'મને આમંત્રણ કેમ નથી મોકલ્યું...' ચૈતર વસાવાએ અધિકારીઓને તતડાવ્યા, હાજર મનસુખ વસાવાએ કર્યો વળતો પ્રહાર

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
Chaitar Vasava and Mansukh Vasava


Narmada News : નર્મદાના સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલનો આજે(2 જાન્યુઆરી, 2026) લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના મંત્રી-સ્થાનિક આગેવન અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ ન આપતા ચૈતર વસાવા નર્મદા જિલ્લાના કલેક્ટર પર ગરમ થયા હતા. તેમજ ચૈતર વસાવાએ સ્ટેજ પરથી વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચની વાત કરી ત્યારે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન મામલો ગરમાયો હતો. 

ચૈતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર પર ભડક્યા

સાગબારા તાલુકામાં મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ નર્મદા કલેક્ટર અને અધિકારીઓને પૂછ્યું હતું કે, 'મને આમંત્રણ કેમ નથી આપ્યુ. હું પણ આ વિસ્તારનો ધારાસભ્ય છું. મને આમંત્રણ કેમ નથી આપ્યું અને કાર્ડમાં મારુ નામ કેમ નથી. અમે સરકારી પ્રોગ્રામમાં થયેલા ખર્ચનો હિસાબ માંગીએ છીએ, એટલે અમને બોલાવવામાં નથી આવતા. આવું ચલાવી લેવામાં નહીં આવે. અમારા વિસ્તારમાં પ્રોગ્રામ થતો હોય અને અમને જ આમંત્રણ ના આપે એ નહીં ચાલે. મગજમાં ધુમાડો હોય તો કાઢી નાખજો.'

તેવામાં કાર્યક્રમમાં હાજર એક વ્યક્તિ બુમો પાડીને ભાજપના હોદ્દેદારો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં મામલો બીચક્યો હતો અને ચૈતર વસાવાને ભાષણ બંધ કરાવવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પરથી ભાજપના હોદ્દેદારો અને ચૈતર વસાવા વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી. લોકાર્પણના કાર્યક્રમમાં નેતાઓની આમને-સામને જોવા મળી હતી. જોકે, કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો. 

ચૈતર વસાવા બાદ મનસુખ વસાવા ભાષણ આપવા ઉભા થયા હતા. તેમણે ધારાસભ્યના સમર્થકોને કહ્યું કે, 'ચૈતર વસાવા બોલતા હતા ત્યારે અમે સાંભળ્યું હતું. હવે તમારે પણ સાંભળવું પડશે અને નથી સાંભળવું તો અહીંથી નીકળી જાઓ.'

વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચ અંગે મનસુખ વસાવાએ શું કહ્યું?

ચૈતર વસાવાએ સ્ટેજ પરથી વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચની વાત કરી ત્યારે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાનનો કાર્યક્રમ થતો હોય તો ખર્ચ તો થાય. દેડીયાપાડાનો કાર્યક્રમ આદિવાસી સમાજના ભગવાનની જન્મ જયંતિનો હતો અને એકતા નગર ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમ હતો તેના ખર્ચ માટે હિસાબ માગે તે યોગ્ય ન કહેવાય. આદિવાસીઓને ટેમ્પામાં લઈ જવાના એ અમને પસંદ નહોતું, એટલે અમે જ કીધું હતું કે બસોની વ્યવસ્થા કરો. દેડીયાપાડના કાર્યક્રમમાં કોઈ ભાજપના જ એકલા કાર્યકર્તાઓ નહોતા, સમાજના લોકો ભગવાન બિરસા મુંડાના જીવન માંથી પ્રેરણા લે તે માટે તેમને લાવવામાં આવ્યા હતા.  હિસાબ માગો, અમને કોઈ જ વાંધો નથી. પણ વારે-વારે માગો એ આદિવાસી સમાજનું અપમાન છે.'


આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ કેસ: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર, થઈ શકે છે મોટા ખુલાસા

વધુમાં તેમણે કહ્યું કે, 'મને કોઈની ટીકા ટિપ્પણી કરવાનો રસ નથી. પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય એને જવાબ આપવાની અમારી ફરજ છે. લોકોમાં ગેરસમજ ઉભી થતી હોય એ દૂર કરવાની અમારી ફરજ છે. કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કે દેડીયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો...'