અલારસા દૂધ મંડળીમાં 20 લાખના ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેનની હકાલપટ્ટી
અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપની પેનલના સંભવિત ઉમેદવાર હતા
હાલ બોરસદ એપીએમસીના ચેરમેન અશોક મહિડાને દૂધ મંડળીના ચેરમેનપદેથી હટાવી દેવાયા : નવા ચેરમેન, વાઇસ ચેરમેન અને ઓડિટરની નિમણૂક
બોરસદ તાલુકાની અલારસા દૂધ મંડળીમાં થોડા દિવસ અગાઉ સાધારણ સભામાં મંડળીના નવા મકાનના બાંધકામમાં રૂપિયા ૨૦ લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે હોબાળાથી સભા મુલતવી રાખવી પડી હતી. ચેરમેન અશોક મહિડા સભા છોડીને ચાલ્યા ગયા હતા. સભામાં મંડળીના સભાસદોને માસિક નફો વેચવા સંદર્ભે પણ બોલાચાલી થઈ હતી. ત્યારે અલારસામાં ચેરમેન વિરુદ્ધ વિરોધનો માહોલ સર્જાઈ ગયો હતો. આજે યોજાયેલી દૂધ મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યોની મિટિંગમાં એકાએક જ અશોક મહિડાનું ચેરમેન પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. કમિટી દ્વારા નવા ચેરમેન તરીકે લાલજીભાઈ ચૌહાણ વાઈસ ચેરમેન તરીકે જશવંતસિંહ મહિડા અને સ્થાનિક ઓડિટર તરીકે બાબુભાઈ ચૌહાણની નિમણૂક કરી દેવામાં આવી હતી. અશોક મહિડા ભાજપના રાજકારણમાં ખૂબ સક્રિય છે. ત્યારે અલારસા મંડળીના ચેરમેનપદેથી તેમને દૂર કરાતા હવે ભાજપમાં નવા સમીકરણો સર્જાશે. અશોક મહિડા હાલ બોરસદ એપીએમસીના ચેરમેન છે અને અમૂલની ચૂંટણીમાં સક્ષમ દાવેદાર ગણાતા હતા. તેમના પત્ની અલારસા જિલ્લા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્ય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, અમૂલ ડેરીમાં આગામી ચૂંટણીમાં બોરસદ બ્લોકમાંથી ભાજપની પેનલમાંથી ત્રણ ઉમેદવારોના નામ દિલ્હી સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં વીરસદના દતેશ અમીન, ખેડાસાના ધર્મદેવસિંહ ડાભી અને અલારસાના અશોક મહિડાના નામની પણ જાહેરમાં ચર્ચાઓ સાંભળવા મળી હતી.
- ખાસ ટેકેદારને દૂર કરાતા નાયબ દંડક રમણ પટેલના જૂથમાં સન્નાટો
બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકીના ખાસ ટેકેદાર અને જમણો હાથ ગણાતા અશોક મહિડાની અલારસા દૂધ મંડળીના ચેરમેનપદેથી દૂર કરાતા હવે આ જૂથમાં સન્નાટો છવાઈ ગયો છે. વગદાર અને રાજકીય પીઠબળ ધરાવતા વ્યક્તિને ચેરમેન પરથી દૂર કરાતા અલારસા જિલ્લા પંચાયતમાં ભાજપનું જોર ઘટી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
- અમૂલની મતદાર યાદીમાં નામની વાંધા અરજી થશે
અમૂલની ચૂંટણીમાં ઉમેદવારી માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. હવે અલારસા મંડળી દ્વારા અમુલની મતદાર યાદીમાંથી અશોક મહિડાના નામને દૂર કરવા માટે અરજી કરવાની કામગીરી શરૂ કરી દેવાશે. યાદીમાં અશોક મહિડાનું નામ બોરસદ બ્લોકમાં અનુક્રમ નં.- ૨૩૨થી પ્રસિદ્ધ કરાયું છે.તા. ૬ઠ્ઠી સુધી આ નામને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે પ્રાંત અધિકારીને લેખિત આપવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. જેથી આગામી ચૂંટણીમાં અશોક મહિડાનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જાય તો નવાઈ નહીં.