- ચૂંટણીના કેટલાક દાવેદારોએ દિલ્હી, ગાંધીનગરના ધક્કા ખાધા બાદ
- બોર ગામના સાભેસિંહ પરમાર ચેરમેન, ડાકોરના વિજયભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે પસંદગી
આણંદ : આણંદ જિલ્લાની વિશ્વપ્રસિદ્ધ અમૂલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડાના વિરપુર તાલુકાના બોર ગામના વતની સાભેસિંહ મેઘાભાઈ પરમારની ચેરમેન અને ડાકોરના વિજયભાઈ ફુલાભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી કરાઈ હતી. જેમાં અન્ય કોઈ અમૂલના સભાસદે ફોર્મ નહીં ભરતા બંનેને બિનહરીફ જાહેર કરાયા હતા.
અમૂલ ડેરીમાં કુલ ૧૩ ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ભાજપને ૨ બેઠકો બિનહરીફ મળી હતી. ૧૧ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૨ બેઠકો બોરસદ અને કપડવંજ કોંગ્રેસને મળી હતી. જ્યારે નવ બેઠકો ભાજપે જીતી કુલ ૧૧ બેઠકો સાથે ભાજપે બહુમતી મેળવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં સહકારના આગેવાન બિપીનભાઈ ગોતા અમદાવાદથી મેન્ડેટ લઈ ૧૨-૩૦ના અરસામાં અમૂલ ડેરીમાં આવ્યા હતા અને આણંદના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ઉમેદવારી પત્રો જાહેર કરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના મોકલેલા મેન્ડેટ મુજબ સાભેસિંહ મેઘાભાઈ પરમારની ચેરમેન અને ડાકોરના વિજયભાઈ ફુલાભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે ઉમેદવારી કરાઈ હતી. જેમાં અન્ય કોઈ અમૂલના સભાસદે ફોર્મ ન ભરતા બંનેને બિનહરીફ જાહેર કરાયા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખેડા-આણંદ જિલ્લાના પશુપાલકો તથા ભાજપના આગેવાનોએ અને આણંદ-ખેડા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યોએ હાજરી આપી હતી.
અમૂલના ચેરમેન પદે નિયુક્ત થનાર સાભેસિંહ પરમાર મહીસાગર જિલ્લાના બોર ગામના વતની છે અને મહીસાગર જિલ્લામાં એક ટર્મ માટે ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. તેઓ રિટાયર આર્મીમેન છે. જ્યારે વાઈસચેરમેન બનેલા વિજયભાઈ પટેલે ડિપ્લોમા ઈલેક્ટ્રીક એન્જિનિયરનો અભ્યાસ કરેલ છે અને ૧૯૯૫થી ભાજપમાં જોડાયા હતા. ૧૯૯૯થી ૨૦૦૩ સુધી ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી.


