અમદાવાદમાં કલર મર્ચન્ટ બેન્કના ચેરમેન અને મેનેજરની 55 લાખની લોનના છેતરપિંડીના ગુનામાં ધરપકડ
એક ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં અને એક નારણપુરા પોલીસમાં કરાઈ મોર્ગેજ ડીડના નામે 55 લાખની ટોપઅપ લોન લઈ ઠગાઈ કરી હતી
Updated: Aug 9th, 2023
અમદાવાદઃ કલર મર્ચન્ટ બેન્કના મેનેજર, જનરલ મેનેજર, ચેરમેન સહિતના હોદ્દેદારો વિરુદ્ધ છેતરપિંડીની બે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી એક ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં અને બીજી ફરિયાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. આ ફરિયાદના આધારે તપાસ કરતાં આજે ત્રણેયની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
55 લાખની ટોપઅપ મોર્ગેજ લઈ તે પૈસા ઉપાડી લઈ છેતરપિંડી કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે નવરંગપુરામાં રહેતા નીતિન રાજગુરુએ કલર મર્ચન્ટ કો.ઓ.બેન્કની સેટેલાઈટ બ્રાંચના મેનેજર અતુલ શાહ, જનરલ મેનેજર કિન્નર શાહ, ચેરમેન બિમલ પરીખ અને બેન્કના લોન એજન્ટ ચિંતન શાહ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, પૈસાની જરૂર હોવાથી 2014માં કલર મર્ચન્ટ બેન્કમાંથી તેમના અને દીકરાના નામે રૂ.65 લાખની લોન લીધી હતી. 2019માં આ લોકોએ નીતિનભાઈને મોર્ગેજ લોનની ડીડમાં સુધારો કરવાના બહાને સબ રજિસ્ટ્રારની કચેરીએ બોલાવી તેમની પાસે સહીઓ કરાવ્યા બાદ આ લોકોએ તેમની કંપની અને પત્ની પારુલબહેનના નામે રૂ.55 લાખની ટોપઅપ મોર્ગેજ લઈ તે પૈસા ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. બીજી ફરિયાદ હાર્દિક પટેલે નારણપુરા પોલીસમાં નોંધાવી છે. તેમણે 34 લાખની લોન લીધી હતી પણ તેમની જાણ બહાર અન્ય કંપનીઓમાં પૈસા જમા કરાવી છેતરપિંડી કરી હતી. તેમણે ચિંતન શાહ, દિનેશ દેસાઈ, બિમલ પરીખ, કિન્નર શાહ, નિલેશ મહેતા, દેવાંગ શાહ, રુતુલ શાહ અને પ્રતીક કાકડિયા વિરુદ્ધ ફરિયાદ કરી છે.
ખાતાની વિગતો તથા શંકાસ્પદ ચેકો કબજે કરાયા
આ ફરિયાદોને લઈને સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા હતાં. અરજદારની અરજી સબંધે અરજદાર તથા સાહેદોના નિવેદનો મેળવવામાં આવેલ તેમજ અરજદારશ્રીએ જણાવેલ બેંકોના દસ્તાવેજો તથા અન્ય જરૂરી દસ્તાવેજ તથા અલગ અલગ બેંકો માંથી અરજદારે અરજીમાં કરેલ આક્ષેપો સંબધીત અલગ અલગ ખાતા ધારોકોના બેંક સ્ટેટમેન્ટોનુ વિગતવાર વિશ્લેષણ કરવામા આવેલ તેમજ આઈ.ટી. રીટર્નના ફોર્મ ઉપર જુદા જુદા સી.એ.ના રાઉન્ડ સીલ લગાડેલ હોય જે સી.એ.ની ખરાઈ કરી નિવેદનો મેળવી લોન લેવા માટે લોનના કાગળોમાં મુકવા આવેલ અલગ અલગ આઈ.ટી. રીટર્ન ફોર્મ અંગેની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવેલ હતી. ત્યારબાદ આ ગુનાના આરોપીઓને સાથે રાખી પો.ઈન્સ. તથા પો.સબ.ઈન્સ.ની અલગ અલગ છ ટીમો બનાવી આરોપીઓના ઘરે તથા તેઓની ઓફીસોમાં સર્ચ ઓપરેશન કરી ઉપરોકત ગુના સબંધીત જરૂરી દસ્તાવેજો, ઠરાવો, અલગ અલગ પેઢીના સ્ટેમ્પ તેમજ આરોપીઓના અન્ય બેંકોમાં રહેલા ખાતાની વિગતો તથા શંકાસ્પદ ચેકો કબજે કરવામાં આવેલ છે.